મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લઇને ભારત નિર્ણય કરશે : એસ જયશંકર

અમેરિકી વિદેશમંત્રી સાથેની વાતચીતમાં એસ જયશંકરની સાફ વાત : રશિયાની સાથે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની સમજૂતિને પોમ્પિયો સાથેની વાતચીત બાદ કોઇ અસર થશે નહીં : આતંકવાદનો મુદ્દો પણ છવાયો

નવીદિલ્હી, તા. ૨૬  : અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો સાથે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે વિસ્તારપૂર્વક બેઠક યોજી હતી જેમાં આતંકવાદ સહિતના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જુદા જુદા વિષય ઉપર ચર્ચા દરમિયાન ભારતે અમેરિકાને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, અન્ય દેશો સાથે આગળ વધતી વેળા તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લઇશું. રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ ગણીને તે આગળ વધશે. પ્રતિબંધગ્રસ્ત રશિયા સહિત જુદા જુદા દેશો સાથે સમજૂતિ કરતી વેળા પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લેશે. જયશંકરે સાફ શબ્દોમાં એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના સંદર્ભમાં વાત કરી હતી. માઇક પોમ્પિયોને દ્વિપક્ષીય વાતચીત દરમિયાન તમામ બાબતો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. મોડેથી સંયુક્ત પત્રકાર પરિષદમાં પોમ્પિયોએ કહ્યું હતું કે, અમેરિકા ભારતના સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે છે. દ્વિપક્ષીય સંબંધો હવે નવી ઉંચાઈ ઉપર પહોંચી રહ્યા છે. જયશંકરે જુદા જુદા પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, ભારતના તમામ દેશો સાથે ખુબ સારા સંબંધો રહેલા છે. અમેરિકાના કાઉન્ટરિંગ પ્રતિબંધોના સંદર્ભમાં પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, રશિયા સાથે ભારતના સંબંધો ખુબ મજબૂત રહ્યા છે. મોસ્કો પાસેથી એસ-૪૦૦ સિસ્ટમની પ્રાપ્તિને લઇને અમેરિકાના પ્રતિબંધની કોઇ અસર થશે નહીં. જયશંકરે એમ પણ કહ્યું હતું કે, અમે સંબંધો ખુબ મજબૂત ધરાવીએ છીએ. રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતામાં લઇને વ્યૂહાત્મક ભાગીદારીની વિચારણાથી આગળ વધીશું. જયશંકરે વાતચીત અંગે વિગત આપતા કહ્યું હતું કે, પોમ્પિયો સાથેની વાતચીત દરમિયાન એનર્જી અને વેપારની સાથે સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ઉભી થયેલી સ્થિતિ અંગે વાતચીત કરવામાં આવી હતી. આતંકવાદના મુદ્દા ઉપર જયશંકરે કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્રના મજબૂત ટેકા બદલ અમે ખુબ જ ખુશ છીએ. મંગળવારે રાત્રે પોમ્પિયો ભારત આવી પહોંચ્યા હતા ત્યારબાદ આજે સવારે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોના જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદી ઉપરાંતરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે પણ પણ તેઓએ વાતચીત કરી હતી. જયશંકર અને પોમ્પિયોની બેઠકમાં આ મહિનાના અંતમાં યોજાનારી જી-૨૦ શિખર બેઠકમાં મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અંગે પણ રુપરેખા પર ચર્ચા થઇ હતી. અમેરિકા દ્વારા ભારતને આપવામાં આવેલા જીએસપીના દરજ્જાને પરત ખેંચવાનો મુદ્દો પણ છવાયો હતો. આતંકવાદના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. મુંબઈ, પઠાણકોટ, ઉરી અને પુલવામા ત્રાસવાદી હુમલાની તપાસમાં આગળ વધવા ભારત અને અમેરિકા સહમત થયા છે. પાકિસ્તાન ઉપર દબાણ લાવવાની પણ તૈયારી થઇ રહી છે. તમામ લોકો જાણે છે કે, અમેરિકા સાથે ભારતની અબજો ડોલરની લશ્કરી સમજૂતિ પાઈપલાઈનમાં છે. આ સમજૂતિમાં ૨૪ એમએચ-૬૦ સીહોક હેલિકોપ્ટર, ૧૦ પી-૮૧ લોંગ રેંજ એરક્રાફ્ટ અને છ અપાચે-૬૪ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. પોમ્પિયો સાથેની વાતચીત દરમિયાન વિદેશમંત્રીએ સાફ શબ્દોમાં વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તમામ દેશો સાથે અમારા સંબંધો અને ઇતિહાસની વાત છે. રાષ્ટ્રીય હિતોમાં કામ કરવામાં આવશે. જુદા જુદા દેશો સાથે જુદા જુદા હિત જોડાયેલા છે. આ સપ્તાહમાં જ જી-૨૦ની શિખર બેઠક જાપાનના ઓસાકામાં યોજાનાર છે. આજની બેઠકમાં થયેલી વાતચીતના સંદર્ભમાં વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. ગયા મહિનામાં મોદી સરકારની પ્રચંડ બહુમતિ સાથે વાપસી થયા બાદ બંને દેશો વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક રહી હતી.

(7:06 pm IST)