મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

મૂર્તિનું આધ્યાત્મિક વિજ્ઞાનઃ ૮૦૦ વર્ષ ઉર્જા મળશે

રાજકોટથી ૩પ કિ.મી. દૂર સિંધાવદર આશ્રમે મૂર્તિ ઉર્જા વહાવી રહી છે

રાજકોટ, તા.૨૬: એક આધ્યાત્મિક યોજના અંતર્ગત પરમ પૂજય શિવકૃપાનંદ સ્વામી દ્વારા મૂર્તિના માધ્યમથી આવા ચૈતન્ય સ્થાનોનું નિર્માણ ચાલી રહ્યું છે. આજે વિશ્રમાં અનેક સ્થાનો છે જયાં આવી મૂર્તિની સ્થાપના થઇ છે. જેમાં એક સ્થાન રાજકોટથી ૩૫ કિ.મી. દૂર સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ, સિંધાવદર, કચ્છમાં ભૂજ માંડવી હાઈ-વે વચ્ચે પુનડીમાં, ગોવામાં શિરોડ, નવસારી દાંડીમાં, લંડન, મોન્ટ્રિયલ-કેેેનેડા, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ખાતે છે. અન્ય પ્રસ્તાવિત મહુડી, બેંગ્લોર, જર્મની, આફ્રિકા તથા અન્ય સ્થળોએ છે.

આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલા હિમાલયમાં રહેલ ચૈતન્યની દિવ્ય અનુભૂતિને સમાજના સામાન્ય મનુષ્ય સુધી પહોંચાડવાનું કાર્ય પરમ પૂજય સદ્ગુરુ, શ્રી શિવકૃપાનંદ સ્વામી જેમને લોકો બાબા સ્વામી નામે ઓળખે છે. તેમના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું. હિમાલયમાં વર્ષોથી તપશ્ચર્યા કરતા સિધ્ધોની આસ-પાસ સાધનાના લીધે ભરપૂર ચૈતન્ય નિર્માણ થયું. આ ચૈતન્ય એમને સામાન્ય મનુષ્ય સુધી આવનારા ૮૦૦ વર્ષ સુધી પહોંચાડવું હતું તેમજ સામાન્ય મનુષ્ય પણ પરમ ચૈતન્યનો અનુભવ કરી શકે. આ બંનેના સંગમરૂપે શ્રી મંગલ મૂર્તિ સ્થાનોના નિર્માણ થયા.

આ પરમ ચૈતન્યને ગ્રહણ કરવા માટે તેના અનુરૂપ થવું પડે છે. ધ્યાનની એ ઉચ્ચ અવસ્થા સુધી પહોંચવું પડે છે. જયાં વ્યકિતનું અસ્તિત્વ પરમ ચૈતન્યને પહોંચાડવાનું નિમિત માત્ર રહે છે. બાબા સ્વામી પોતાના હિમાલયના સાધનાકાળ દરમ્યાન અનેક સિધ્ધો સાથે રહ્યા, ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં એ સિધ્ધો સાથે સમરસ થયા અને પરમ ચૈતન્ય ગ્રહણ કર્યું.

હવે કોઇ એવી યોજનાની આવશ્યકતા હતી. જેનાથી આવનારા ૮૦૦ વર્ષ સુધી આ પરમ ચૈતન્ય સામાન્ય મનુષ્યને સતત મળતું રહે. આ યોજનાની ભવિષ્યવાણી બાબા સ્વામીના એક ગુરુ નાગપ્પા ગુરુદેવ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે,  જો એવું લાગે કે સમય ઓછો પડી રહ્યો છે, તો પોતાની મૂર્તિઓ બનાવરાવી તેમાં સંકલ્પશકિતથી પોતાની કાર્યશકિતને પ્રવાહિત કરશે. તું કાલે નહિ હો પરંતુ મૂર્તિઓના માધ્યમ દ્વારા ૮૦૦ વર્ષ સુધી કાર્ય ચાલુ રહેશે.

સામાન્ય રીતે જેની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તે પોતાનો દેહ છોડી ચૂકયા હોય છે. જેથી તેમની મૂર્તિમાં પ્રાણશકિત બીજા કોઇની હોય છે. એટલે કે પ્રાણશકિત કોઇક બીજા માધ્યમની અને મૂર્તિ કોઇ બીજા માધ્યમની હોય છે પરંતુ આ મંગલ મૂર્તિઓની એક અનોખી વિશિષ્ટતા છે. પ્રથમવાર બાબા સ્વામીએ ગુરુઓના આદેશથી પોતાની જ મૂર્તિમાં પોતે જ પ્રાણશકિત પ્રવાહિત કરી રહ્યા છે અને તે પોતે જીવીત પણ છે અને એવા સંકલ્પ સાથે નિર્માણ કરવામાં આવી છે કે જેમ બાબા સ્વામીને સિધ્ધ ગુરુઓના ચૈતન્યથી આત્મજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઇ તેવી જ રીતે આ મૂર્તિના દર્શન કરવાથી તેના સાંનિધ્યમાં ધ્યાન કરવાથી સામેવાળાને આત્મજ્ઞાન મળે, મોક્ષરૂપી સમાધાન મળે. આ મૂર્તિઓની આસપાસનું આભામંડળ સતત વિસ્તરી રહ્યું છે. જેના કારણે પ્રવેશતાની સાથે જ નિર્વિચારીતાનો અનુભવ થાય છે, લોકોની પ્રાર્થનાઓ પૂર્ણ થાય છે. આવું જ એક જીવંત સ્થાન, મંગલમૂર્તિ વાંકાનેર પાસે આવેલ સિંધાવદર ગામમાં સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ છે. જેનો પાટોત્સવ મંગલમૂર્તિની સ્થાપના દિને દર વર્ષે ૨૫ એપ્રિલે ભવ્યતાથી ઉજવાય છે.

મંગલમૂર્તિ મહાત્મ્ય

અહીં સ્થાપિત થયેલ ઉર્જાવાન મૂર્તિ સમક્ષ સાધકની દરેક ઈચ્છાપૂર્ણ થાય છે. જે કોઇ વ્યકિત આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માગતી હોય તેણે પણ આગળનો માર્ગ મળે છે અહીં આત્મજ્ઞાન અને આત્મસાક્ષાત્કારનો અનુભવ અનેક લોકોને થયો છે. આવતા ૮૦૦ વર્ષ સુધી આ મૂર્તિ સાધકોની આત્મજ્ઞાનની પ્યાસ બુઝાવશે તેમજ વિશ્વ માટે આ એક આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્રબિંદુ બનશે.

 

(4:09 pm IST)