મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

કોંગ્રેસ અધ્યક્ષ પદ

કોંગ્રેસ સાંસદોની અપીલ છતાં રાજીનામા માટે રાહુલ મક્કમ : બીન ગાંધીને પસંદ કરવા કહ્યું

સોનિયાના વડપણ હેઠળ કોંગ્રેસના સાંસદોની બેઠક મળી : રાહુલ હાજર હતા

નવી દિલ્હી, તા. ર૬ : સંયુકત પ્રગતિશીલ ગઠબંધન (યૂપીએ) ના અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક થઇ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યાં. બેઠકમાં કોંગ્રેસના ૫૧ સાંસદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામુ પરત લેવા માટે મનાવી ન શકયા. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને કહ્યું કે તે હવે કોંગ્રેસ અધ્યક્ષ નહી રહે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને મનીષ તિવારીએ રાહુલને અધ્યક્ષ પદે યથાવત રહેવાના પક્ષમાં તર્ક આપ્યો કે હાર ફકત તમારી જવાબદારી નથી પરંતુ સામૂહિક જવાબદારી છે. તેમ છતાં હારની નૈતિક જવાબદારી પોતાની માનતા અધ્યક્ષ પદે ન રહેવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં તમામ ૫૧ સાંસદોએ અપીલ કરી પરંતુ રાહુલે તેમની વાત માનવાથી ઇનકાર કર્યો.

જણાવી દઇએ કે લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવા પર અડગ છે. અગાઉ કોંગ્રેસની બેઠકમાં તેઓ રાજીનામાની વાત કરી ચુકયાં છે. કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં પણ રાહુલે પદ છોડવાની વાત કરી હતી. જેને કાર્યસમિતિએ નકારી કાઢી હતી. આ બેઠકમાં પણ રાહુલ પોતાની વાત પર અડગ હતાં પછીથી કોંગ્રેસ નેતાઓએ રાહુલને કહ્યું કે, મારો કોઇ વિકલ્પ નથી.

કાર્યસમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને કહ્યું કે આવી મુશ્કેલીના સમયે પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂરિયાત છે પરિણામે તે પાર્ટી અધ્યક્ષ પદ પર રહે. આ બેઠકમાં રાહુલે જણાવ્યું હતું કે તેમના સ્થાને પ્રિયંકા ગાંધીના નામનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં ન આવે. સાથે જ કોઇ બિન કોંગ્રેસીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે. પરંતુ કાર્ય સમિતિએ રાહુલની વાત ન સ્વીકારી. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા જણાવ્યું કે, રાહુલ ગાંધીને હવે તે અધિકાર આપવામાં આવ્યો છે કે તે પાર્ટીમાં પોતાની રીતે સંગઠનાત્મક બદલાવ કરી શકે છે.

(3:15 pm IST)