મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

મોદીને મળતા અમેરિકી વિદેશમંત્રી પોમ્પિયો

ડોભાલ તથા જયશંકર સાથે પણ મંત્રણા : અનેક મુદ્દે વાતચીત પણ રૂસ મામલે ભારત ઝુકશે નહિ

નવી દિલ્હી, તા.ર૬ :   અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારતના ત્રણ દિવસના પ્રવાસે મંગળવારે રાતે નવી દિલ્હી પહોંચ્યાં. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબધો વધુ મજબુત કરવાનો છે. આજે સવારે દિલ્હી પહોંચતાની સાથે જ માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત  કરી. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનું નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.ઙ્ગજે સમયે માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારે તે વખતે વિદેશ મંત્રી એસ.જયશંકર, NSA અજીત ડોભાલ પણ હાજર હતાં.

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ માઈક પોમ્પિયો વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરશે. જયશંકર સાથે મુલાકાત દરમિયાન ભારત અને અમેરકા વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. આ મુલાકાત પર બધાની નજર છે. આ બેઠકમાં જી-૨૦જ્રાક્નત્ન થનારી ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતનો એજન્ડા પણ નક્કી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

અત્રે જણાવવાનું કે પોમ્પિયોની આ મુલાકાતે ચર્ચા પેદા કરી છે કારણ કે શુક્રવારે જાપાનમાં જી-૨૦ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થવાની જ છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જયારે ગ્લોબલ ડિપ્લોમસી ખુબ નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે. ભારત સામે તમામ તાકાત વચ્ચે સંતુલન જાળવી રાખવાનો મોટો પડકાર છે.

હાલમાં જે રીતે ગ્લોબલ ટ્રેડ વોર ચાલુ છે અને ભારત અને અમેરિકા બંનેએ પોત પોતાની ચાલ પણ ચાલી છે. ટ્રમ્પ પ્રશાસન ઈચ્છે છે કે ભારત તેમની ઈચ્છા મુજબ વેપાર કરે અને અન્ય દેશો સાથે સંબંધો જાળવે. ખાસ કરીને ઈરાનને લઈને ટ્રમ્પ સરકારે આકરું વલણ અપનાવેલું છે. પરંતુ ભારતે અપ્રત્યક્ષ રીતે સંદેશ આપ્યો છે કે તે પોતાના હિતો મુજબ જ સંતુલન જાળવવાની રણનીતિ હેઠળ આગળ વધશે. આ સાથે જ અમેરિકી પ્રશાસનને એવો પણ સંદેશ અપાયો છે કે ભારતના બજારની ઉપેક્ષા કરવાથી ભારત કરતા વધુ નુકસાન અમેરિકાને થશે. સ્પષ્ટ છે કે આ સંજોગોમાં અમેરિકી વિદેશ મંત્રીના ભારત પ્રવાસ અને ટ્રમ્પ-મોદીની મુલાકાત પર બધાની નજર રહેશે.

ભારત અને અમેરિકા વચ્ચે ખાસ કરીને એસ-૪૦૦ મિસાઈલ સોદો અને એચ-૧ બી વિઝા મુદ્દો મહત્વનો છે. બંને દેશ પોતપોતાના તર્ક આપીને વાત મનાવવામાં લાગ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત કેટલાક વૈશ્વિક સંકટો સાથે શરૂ થઈ છે. જેમાં સૌથી મોટી પરેશાની અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી રહેલો તણાવ છે. જેની સીધી અસર તેલ પર પડી રહી છે. આ તણાવ ભરેલા માહોલ વચ્ચે અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તણાવ ઓછો કરવાની કોશિશ કરી હતી. ભારત આતંકવાદ, ઈરાન અને એન્ટી મિસાઈલ એસ-૪૦૦ પર પોતાનું વલણ અમેરિકાને જણાવશે.

(3:13 pm IST)