મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

દેશમાં પ વર્ષની વયથી નાનું દર ત્રીજુ બાળક ર૦રર સુધીમાં કુપોષિત હશેઃ સર્વે

બિહાર-યુપીમાં દર બીજુ બાળક કુપોષિત : કેરળ-ગોવામાં ર૦ ટકાની છે સંખ્યાઃ દેશમાં બાળકો કુપોષિત ન રહે એ માટે ધડાધડ પ્રયાસો જરૂરી

નવી દિલ્હી, તા. ર૬ : દેશમાં પાંચ વર્ષની વયથી નાનું દર ત્રીજુ બાળક ર૦રર સુધીમાં કુપોષિત હશે. એવું મંગળવારે દેશના ફુડ એન્ડ ન્યટ્રીશનના વિશ્લેષણમાં કહેવાયું છે. છેલ્લા એક દાયકાથી કુપોષિત બાળકોની સંખ્યા વાર્ષિક એક ટકાના દરે ઘટી રહી છે. જો આ દર ચાલુ રહેતો ર૦રરની સમયસીમા સુધીમાં ૩૧.૪ ટકા બાળકો કુપોષિત રહેશે. ભારતે તેના રપ ટકાના લક્ષ્યને મેળવવા માટે પોતાના પ્રયત્નો બેવડાવવા પડશે, એવું પણ આ રિપોર્ટમાં કહેવાયું છે.

આ રિપોર્ટ યુએન વર્લ્ડ ફુડ પ્રોગ્રામ દ્વારા સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલયના સહયોગથી ભૂખમરાના નાશનું લક્ષ્ય મેળવવાના પ્રક્રિયામાં થઇ રહેલી પ્રગતિમાં આંકડાઓના વિશ્લેષણના આધારે તૈયાર કરાયો છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા બે દાયકામાં ધાન્યની ઉપજમાં ૩૩ ટકાનો વધારો થયો છે, પણ તે ર૦૩૦ના લક્ષ્ય કરતા હજુ અડધું જ છે. આમ છતાં ભયભીત ખેડૂતો પહેલા કરતા ઘણું ધાન્ય ઉગાડે છે અને તેના કારણે દેશ સ્વનિર્ભર બન્યો છે, પણ કમનસીબે ગ્રાહકોમાં ચોખા, ઘઉં અને અન્ય ધાન્યોનો વપરાશ તેના પ્રમાણમાં નથી વધ્યો જેના મુખ્ય કારણોમાં વસ્તી વધારો, અસમાનતા, અન્નનો બગાડ અને નુકસાન તથા નિકાસ છે આના પરિણામે પર કેપીટા એનર્જી કન્ઝમ્પશન વસ્તીના ૩૦ ટકા ગરીબોમાં ૧૮૧૧ કિલો કેલરીની સરેરાશ પર છે, જે રોજની ર૧પપ કિલો કેલરી હોવું જોઇએ. બાળકોમાં તો આ દર તેનાથી પણ ખરાબ છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં ૪૮ અને ૪૬ ટકા એટલે લગભગ દર બે બાળકે એક બાળક કુપોષિત છે. જયારે કેરળ અને ગોવામાં ર૦ ટકા છે. આર્થિક રીતે ગરીબ વર્ગમાં આ પ્રમાણ પ૧.૪ ટકા, શેડયુલ ટ્રાઇબમાં ૪૩.૬ ટકા, શેડયુલ કાસ્ટમાં ૪ર.પ ટકા અને અભણ માતાની કુખે જન્મેલા બાળકોમાં આ દર પ૧ ટકા છે.

(11:30 am IST)