મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

ભારત માતા મંદિરના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદગીરીને હરીદ્વાર આશ્રમ ખાતે સમાધી અપાઇ

ત્રણ વર્ષ પહેલા તેમને પદ્મવિભુષણથી સન્માનીત કરાયેલઃ રામજન્મ ભુમી આંદોલનમાં પણ તેમની ભુમિકા મહત્વની હતીઃ નરેન્દ્રભાઇ, યોગી આદીત્યનાથ સહિતના લોકોએ શોક વ્યકત કર્યો

નવી દિલ્હીઃ ભારત માતા મંદિર હરીદ્વારના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદગીરીજી ગઇકાલે ૮૭ વર્ષની ઉંમરે બ્રહ્મલીન થતા આજે તેમને સમાધી અપાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સ્વામીજી સાથેની તસ્વીર ટવી્ટ કરી  શોક વ્યકત કર્યો હતો.

સ્વામી સત્યમિત્રાનંદગીરીજીનો જન્મ ૧૮ સપ્ટેમ્બર ૧૯૩૨ ના રોજ ઉત્તર પ્રદેશના આગારમાં થયો હતો. આજે તેમને હરદ્વાર સ્થિત ભારત માતા મંદિર ટ્રસ્ટના રાઘવ કુટીર ખાતે સમાધી આપવામાં આવેલ. ૩ વર્ષ પહેલા ભારત સરકાર દ્વારા પદમ વિભુષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા. રામ જન્મભુમિ આંદોલનમાં તેમની મહત્વની ભુમિકા હતી. ભારત માતા મંદિરની સ્થાપના કરી તેમણે દેશમાં સમન્વયવાદી વિચારને નવો આયામ આપ્યો હતો. તેમના નિધનથી ભારતીય દશનામી સંન્યાસી પરંપરાના એક યુગનો અંત આવ્યો છે.

 સ્વામી સત્યમિત્રાનંદગીરી બાલ્યકાળથી જ આધ્યામીકતામાં રૂચિ ધરાવતા હોવાથી નાની ઉંમરે જ તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો હતો. તેમનુંઙ્ગ મુળ નામ અંબિકા પ્રસાદ પાંડેય હતુ. તેમના પિતા શિવશંકર પાંડેયને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનીત કરાયા હતા. તેમણે ૧૯૮૩માં હરીદ્વારમાં ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી. ૧૯૬૦માં ફકત ૨૬ વર્ષની વયે તેમને જયોર્તિમઠ ભાનપુરા પીઠના જગદગુરૂ શંકરાચાર્ય તરીકે પ્રતિષ્ઠિત કરાયા હતા. ૬૫થી વધુ દેશોના પ્રવાસ કરનાર સ્વામીજીને દેશ-વિદેશના રાજકારણીઓ રાષ્ટ્ર અધ્યક્ષો અને બધા ધર્મોના ધર્માચાર્યો ખુબ જ સન્માન આપતા હતા.

(11:29 am IST)