મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

નર્મદાના નીર મામલે કમલનાથે શરૂ કરી વિલનગીરી

ગુજરાતના પાડોશી રાજય મ.પ્રદેશમાં સત્તા પરિવર્તન થતાં જ કોંગ્રેસની સરકારે વાંધા-વચકા કાઢવા શરૂ કરી દીધાઃ નર્મદા ડેમ સંપૂર્ણ ભરવા-વધુ સ્ટોરેજ કરવા બાબતે મ.પ્રદેશ આડુ ચાલ્યુઃ પુનર્વસનનો મામલો ઉછાળ્યો : રાતોરાત સમસ્યાઓ ઉભી કરાતા રોષ

નવી દિલ્હી, તા. ર૬ : ગુજરાતના પાડોશી રાજય મધ્યપ્રદેશમાં જયાં સુધી ભાજપની સરકાર હતી ત્યાં સુધી નર્મદા ડેમ મામલે કોઇ વખવાદ નહોતો પણ હવે ત્યાં કમલનાથના નેતૃત્વ કોંગ્રેસની સરકાર આવી છે ત્યારેથી તેણે હવનમાં હાડકા નાખવાનું કામ શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશે પુનર્વસન કામગીરીમાં અનેક ખામીઓ શોધી કાઢી છે. એટલું જ નહિં નર્મદા નીરના સંગ્રહને લઇને પણ કમલનાથ સરકાર આડી ચાલી રહી છે.

ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની હાઇટ સસપ્ટેમ્બરમાં ૧૩૮.૬૮ મીટર જેટલી વધાર્યા બાદ આ વર્ષે ગુજરાત સરકારને આશા હતી કે તેઓ ચોમાસા દરમિયાન વધુ નર્મદા નીરનો સ઼ગ્રહ કરી શકશે. જોકે કમલનાથી આગેવાનીવાળી મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે તેમાં હવે અડચણ ઉભુ કરવાનું શરૂ કર્યું છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત ત્રણેય જગ્યા ભાજપની સરકાર હતી જેમણે આ ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોના ઝડપી પુનર્વસન પર ભાર મૂકયો હતો.

જોકે મધ્યપ્રદેશની નવી કમલનાથ સરકારે પુનર્વસન કામગીરીમાં અનેક ખામીઓ હોવાનું કારણ દર્શાવીને ગુજરાતને નર્મદા સરોવર ડેમમાં સ્ટોરેજ કરવા માટે વધુ પાણી આપવાનું ના પાડી દીધી હતી. સોમવારે કમલનાથ સરકારમાં નર્મદાવેલી ડેવલોપમેન્ટ ઓથોરિટીના મંત્રી સુરેન્દ્રસિંહ બધેલે જણાવ્યું કે, 'અમને પુનર્વસન કામગીરીમાં ખૂબ મોટી ખામીઓ નજરે ચડી છે. આ કામગીરી માટે જેટલું આપવું જોઇએ તેના કરતા કયાંય ઓછું ફંડ ગુજરાત સરકાર મધ્યપ્રદેશને આપી રહી છે.'

બધેલે વધુમાં કહ્યું કે, 'સરદાર સરોવર પ્રોજેકટના નામે કેન્દ્ર સરકાર અમને અહીં રહેતા લોકોને કોઇપણ પ્રકારના વળતર વગર જબરજસ્તીથી જગ્યાઓ ખાલી કરવા માટે દબાણ કરી રહી છે જેથી રાજયમાં અનરેસ્ટની સ્થિતિ ઉભી થાય. પરંતુ કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ અમે શોધી કાઢયું કે આ લોકોના પુનર્વસન માટે ગુજરાતે જેટલું ફંડ આપવું જોઇએ તેના કરતા ઓછું મળી રહ્યું છે. જેથી અમે આ પ્રોજેકટના કારણે કેટલા ખરેખર અસરગ્રસ્ત પરિવારો છે તેની માહિતી ભેગી કરવા નવો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'એકવાર સર્વે પૂર્ણ થઇ જાય પછી મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકાર પાસેથી વધુ રૂપિયાની માંગણી કરશે. આ મામલે અમારા મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર અને નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી (એનસીએ) સમક્ષ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.'

જયારે ગુજરાત સરકારનું કહેવું છે કે અમે પહેલાથી જ આ ડેમના કારણે અસરગ્રસ્ત બનેલા પરિવારો માટે રૂ. ૪૦૦ કરોડ આપી દીધા છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ ર૦૧૭માં કેમને ૧૩૧ મીટર સુધી ભરવામાં આવ્યો હતો. ત્યારે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારની સાથે વાત કરીને તેમની સહમતિ લેવામાં આવી હતી.  સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના મેનેજિંગ ડિરેકટર અને વન-પર્યાવરણ વિભાગના એડી. સેક્રેટરી રાજીવ ગુપ્તાએ કહ્યું છે કે, 'ત્રણેય રાજયોની સહમતિ પછી જ અમને ડેમની ઉંચાઇ વધારવાની મંજૂરી મળી હતી ત્યારે કોઇ સમસ્યા નહોતી તો હવે શા માટે અચાનક રાતોરાત સમસ્યા આવી ગઇ ? ' રાજયમાં પાણીની ભારે ખેંચ અનુભવતા ગુજરાતે આ મામલે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીને દરમિયાનગીરી કરવા માટે કહ્યું છે.

જયારે આ મામલે નર્મદા બચાવ આંદોલનમાં મેઘા પાટકરે કહ્યું કે, 'ગુજરાતને ૧૩૮.૬૮ મીટર સુધી પાણીનો સંગ્રહ કરવા દેવો એ એક ગુનાહિત ઘટના કહેવાશે. તેનાથી સીધા જ ૩૦૦૦૦ જેટલા પરિવારોને અસર થશે. તેમજ લાખો ગરીબ વ્યકિતઓના જીવન પર જોખમ ઉભું થશે. આટલા વર્ષોથી મધ્યપ્રદેશમાં પુનર્વસનના નામે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કોઇ વિસ્થાપિત પરિવારને કોઇપણ સરકાર એજનસીએ મદદ કરી નથી.'

(11:53 am IST)