મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

આજથી 'મિશન કાશ્મીર' પર અમિત શાહ

અમરનાથ યાત્રાની સુરક્ષા તથા આતંક પર પ્રહાર મુખ્ય એજન્ડા

શ્રીનગર, તા.૨૬: ઉચ્ચ સ્તરની સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરવા માટે અમિત શાહ ૨૬ જૂનથી જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે રહેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગૃહમંત્રી અમિત શાહ ૨૬ જૂનથી રાજયના પ્રવાસે જઈ રહ્યાં છે. તેઓ રાજયપાલ સાથે રાજયમાં હાલની જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરશે. પહેલા માહિતી એવી હતી કે અમિત શાહ ૩૦ જૂનના રોજ એક દિવસના ઘાટીના પ્રવાસે જશે.

આ પ્રવાસ કેન્દ્રીય બજેટ માટેના ગૃહમંત્રીના વ્યસ્ત કાર્યક્રમના કારણે હવે વહેલો થઈ રહ્યો છે. ગૃહમંત્રી પોતાના પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરની સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ મુલાકાત દરમિયાન ભાજપના કાર્યકરો અને પંચાયત સભ્યોને અલગથી સંબોધન પણ કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિક સાથે પણ બેઠક યોજશે અને રાજયપાલ સાથે રાજયની હાલની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે.

કાશ્મીરમાં ગૃહમંત્રીના પ્રવાસને લઈને સ્થાનિકોમાં અને ખાસ કરીને ત્યાંના રાજકીય પક્ષોમાં ખુબ આશાઓ બંધાઈ છે. રાજયના પીડીપીના પ્રવકતાએ કહ્યું કે કાશ્મીરમાં અત્યાર સુધી અનેક ગૃહમંત્રીઓએ મુલાકાત કરી છે. શાહ ભારે સમર્થનથી સરકારમાં આવ્યાં છે અને તેમની પાસેથી ખુબ આશાઓ છે. તેઓ રાજયામાં હાલની સ્થિતિ જોઈને કોઈ આશાવાદી પગલું ભરશે. આ સાથે જ વાતચીતનો દરવાજો પણ ખુલશે જેથી કરીને કાશ્મીરની સ્થિતિમાં સુધાર થશે.

નેશનલ કોન્ફરન્સ પણ માને છે કે શાહ કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેશે અને વાતચીતના દરવાજા ખુલશે. હાલમાં જ આઈએએસ ઓફિસરનું પદ છોડીને રાજકારણમાં સામેલ થયેલા પીપલ મૂવેમેન્ટના અધ્યક્ષ શાહ ફેસલ પણ આ પ્રવાસને દ્યણો મહત્વનો ગણે છે. તેમના જણાવ્યાં મુજબ શાહને મોટો જનાદેશ મળ્યો છે અને તેઓ મોટા નિર્ણયો લઈ શકે છે. આમ ગૃહમંત્રી શાહના પ્રવાસને લઈને કાશ્મીરમાં બધાની નજર અમિત શાહ ઉપર છે.

સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક બાદ શાહ ભાજપના કાર્યકરો અને પંચાયત સભ્યોને અલગ અલગ સંબોધન કરશે. તેમણે કહ્યું કે તેઓ રાજયપાલને પણ મળશે અને તેમની સાથે રાજયની વર્તમાન સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે. ચર્ચામાં રાજયના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પણ ભાગ લેશે.

સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન અમિત શાહ શ્રી અમરનાથજી ગુફા મંદિર પણ જશે અને ત્યાં પૂજા અર્ચના કરશે. આ વર્ષે અમરનાથ યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈને ૧૫મી ઓગસ્ટ સુધી ચાલશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે શાહ ગુરુવારે પાર્ટીના નેતાઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિ મંડળો, મુખ્ય પ્રવાહની પાર્ટીઓના નેતાઓ, પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને પંચાયત સભ્યોની મુલાકાત કરશે.

(11:22 am IST)