મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

રાજયોનો હેલ્થ ઇન્ડેક્ષ જાહેર

કેરળ નંબર ૧: ગુજરાત ચોથું: યુપી ૨૧માં ક્રમે

નવી દિલ્હી, તા.૨૬: નીતિ આયોગ દ્વારા મંગળવારે દેશભરના રાજયોનો સ્વાસ્થ્ય સૂચકઆંક જાહેર કરાર્યો છે. જેમાં મોટા રાજયોમાં બિહાર સૌથી નીચલા ક્રમ પર રહ્યું છે જયારે કેરળ સૌથી ટોપ પર રહ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ વિશ્વબેંકના ટેકનિકલ સહયોગથી તૈયાર નીતિ આયોગની 'સ્વાસ્થ્ય રાજય પ્રગતિશીલ ભારત'ના શીર્ષક સાથે જાહેર કરાયેલ રિપોર્ટમાં રાજયોને આપવામાં આવેલા રેન્કિંગમાં આ વાત સામે આવી છે.

આ રિપોર્ટમાં ઈન્ક્રીમેન્ટલ રેન્કિંગ એટલે કે, ગત વખતની સરખામણીએ સુધારાના સ્તરને મામલે ૨૧ મોટા રાજયોની યાદીમાં ઉત્ત્।રપ્રદેશ ૨૧માં સ્થાન સાથે સૌથી નીચે અને બિહાર ૨૦માં, ઉત્તરાખંડ ૧૯માં અને ઓડિશા ૧૮માં સ્થાન પર છે.

રિપોર્ટ અનુસાર સંદર્ભ વર્ષ ૨૦૧૫ ૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૭ ૧૮માં સ્વાસ્થ્ય ક્ષેત્રે બિહારનું સંપૂર્ણ પ્રદર્શન સૂચકઆંક ૬.૩૫ અંક ઘટયો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રદર્શન સૂચકઆંકમાં ૫.૦૮ અંક, ઉત્તરાખંડ ૫.૦૨ અંક અને ઓડિશાના સૂચકઆંકમાં ૩.૪૬ અંકનો ઘટાડો થયો છે.

આ રિપોર્ટમાં ગત વખતની સરખામણીએ સુધારા અને કુલ મળીને સારા પ્રદર્શનના આધારે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ત્રણ શ્રેણીમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે. પ્રથમ શ્રેણીમાં ૨૧ મોટા રાજયો, બીજી શ્રેણીમાં ૮ નાના રાજયો અને ત્રીજી શ્રેણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશોને રાખવામાં આવ્યા છે.

સૂચકઆંકમાં સુધારાની દ્રષ્ટિએ હરિયાણાનું પ્રદર્શન સૌથી સારુ રહ્યું છે. તેમના ૨૦૧૭ ૧૮ના સંપૂર્ણ સૂચકઆંકમાં ૬.૫૫ અંકનો સુધારો નોંધાયો છે. ત્યાર બાદ ક્રમશઃ રાજસ્થાન, ઝારખંડ, અને આંધ્રપ્રદેશનો ક્રમ આવે છે.

નાના રાજયોમાં ત્રિપુરા પ્રથમ સ્થાન પર રહ્યું ત્યાર બાદ ક્રમશઃ મણિપુર, મિઝોરમ, અને નાગાલેન્ડનું સ્થાન છે. આમાં સૌથી નીચલા ક્રમે અરુણાચલ પ્રદેશ (આઠમાં), સિક્કિમ (સાતમાં) અને ગોવા (છઠ્ઠા) ક્રમ પર છે.

રિપોર્ટ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં દાદરા નગર હવેલી અને ચંદીગઢમાં સ્થિતિ પહેલા કરતા સુધરી છે. આ યાદીમાં લક્ષદ્વીપ સૌથી નીચા અને દિલ્હી પાંચમાં સ્થાન પર છે.

સંદર્ભ વર્ષની સંપૂર્ણ રેન્કિંગમાં ઉત્ત્।ર પ્રદેશ સૌથી નીચલા ૨૧માં સ્થાન પર છે. ત્યાર બાદ ક્રમશૅં બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, અને ઉત્તરાખંડનું સ્થાન છે. એવી જ રીતે પ્રથમ ક્રમે કેરળ છે ત્યાર બાદ ક્રમશૅં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો ક્રમ આવે છે.

(10:25 am IST)