મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

નેપાળે ભારતીય ફળો અને શાકભાજી પર મુકયો પ્રતિબંધ

ભારતથી આવતા શાકભાજી-ફળોમાં કીટનાશકો હોવાનો આરોપઃ માલ બગડી જવાની બીકે બોર્ડરર પર વેચાય છે સસ્તા ભાવે બોર્ડર પર વાહનોની લાગી કતાર

કાઠમંડુ, તા. ૨૬ :. નેપાળ સરકારે એક અધ્યાદેશ બહાર પાડીને ભારતીય ફળો અને શાકભાજીઓની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. આ નિર્ણયથી ઉત્તર પ્રદેશના મહારાજગંજ સ્થિત ભારત-નેપાળની સનૌલી બોર્ડર પર ફળો અને શાકભાજી ભરેલી સેંકડો ટ્રકોની લાઈનો લાગી ગઈ છે.

નેપાળ સરકારની આ અચાનક જાહેરાતથી કાચો માલ સડવાની બીકે ઘણા લોકો સરહદ પર જ પોતાના ફળો અને શાકભાજી સ્થાનિક દલાલોને અડધા ભાવે વેચવા મજબુર થઈ ગયા છે તો ઘણા હજી પણ નેપાળી અધિકારીઓ તરફથી લીલીઝંડી મળવાની રાહ જોઈને લાઈનમાં ઉભા છે.

જ્યારે સરહદ પર આ સમસ્યા ઉભી થયેલી જોઈને અહીંના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓને પરિસ્થિતિની જાણ કરી દીધી છે અને તાત્કાલિક આ સમસ્યાનું સમાધાન કરવા કહ્યુ છે.

મળતી માહિતી અનુસાર નેપાળ સરકારનું માનવું છે કે ભારતથી નેપાળ આવતા શાકભાજી અને ફળોમાં વધારે પ્રમાણમાં જંતુનાશક દવાઓ હોય છે જેનાથી તેના નાગરિકો ઉપર તેની ખરાબ અસરો પડે છે અને લોકો બિમાર પડી રહ્યા છે. એટલે ભારતથી નેપાળ આવતા ફળો અને શાકભાજી કાઠમંડુમાં આવેલી તેમની લેબોરેટરીમાં ટેસ્ટ થશે અને માપદંડો પર ખરા ઉતરેલા સામાનને જ નેપાળમાં લાવવાની પરવાનગી અપાશે.

આ આખા બનાવ અંગે અધિકારીઓનું કહેવું છે કે નેપાળ સરકારે ૧૭ જુને તપાસ્યા વગર ભારતમાંથી શાકભાજી અને ફળો નહી   આવવા  દેવાનો  નિર્ણય  લીધો  છે.

(10:22 am IST)