મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

કટોકટીની યાદમાં દેશના પૂર્વ રક્ષામંત્રી અને દિવંગત સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસની સાંકળોવાળા હાથની તસવીરો વાયરલ

નવી દિલ્હી: આજના જ દિવસે 1975માં ધોમધખતા તાપમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે અલાહાબાદ હાઈકોર્ટના એક ચૂકાદા બાદ દેશમાં કટોકટી લાદવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આજનો આ દિવસ ઈતિહાસના પન્ને નોંધાઈ ગયો. આજે દેશ કટોકટીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ દોરને યાદ કરતી એક ટ્વીટ કરી છે, પરંતુ કટોકટીની યાદ દેશના પૂર્વ રક્ષામંત્રી અને દિવંગત સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસની સાંકળોવાળા હાથની તસવીરને યાદ કર્યા વગર અધૂરી રહે છે.

ટ્રેડ યુનિયન લીડર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનારા ધૂરંધર સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસનું જો કે નિધન થઈ ગયું છે પરંતુ આઝાદી બાદ લોકતંત્ર પર કાળો ધબ્બો ગણાતી કટોકટીના સમયની તેમની સાંકળોમાં જકડાયેલી હાથવાળી તસવીર લોકોના મનમાં આજે પણ સ્થાન જમાવી બેઠેલી છે.

જ્યારે પણ કટોકટીનો ઉલ્લેખ થશે ત્યારે દમનના વિરોધના પ્રતિકારસ્વરૂપ બળવાખોર નેતા જ્યોર્જ ફર્નાન્ડિસની આ તસવીરનો પણ ઉલ્લેખ થશે. કદાચ એટલે જ જ્યોર્જને વિદ્રોહી તેવરવાળા નેતા કહેવાતા હતાં. જ્યોર્જ સાહેબના નિધન બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે જાહેરાત કરી હતી કે તેમની હથકડીવાળી મૂર્તિ સરકાર લગાવશે.

લાલકૃષ્ણ અડવાણીએ ગત વર્ષે એક કાર્યક્રમમાં જ્યોર્જ ફર્નાન્ડિસને બળવાખોર નેતા કહ્યાં. અડવાણીએ કહ્યું કે દેશની પ્રગતિ અને વિકાસ માટે આવા નેતાઓની જરૂર હોય છે. અડવાણીએ કહ્યું કે જો વિદ્રોહ ન થાત તો દેશને આઝાદી ક્યારેય ન મળત. જ્યોર્જ જેવા બળવાખોર નેતાઓએ આવતા રહેવું પડશે જેથી કરીને દેશ પ્રગતિ અને વિકાસ કરી શકે. અડવાણીએ કહ્યું કે નવી પેઢીના લોકોને કદાચ જ જ્યોર્જ ફર્નાન્ડિસ યાદ હોય. આ એજ જ્યોર્જ ફર્નાન્ડિસ હતાં કે જેમના એક અવાજ પર હજારો ગરીબો ભેગા થઈ જતા હતાં. કટોકટી દરમિયાન જ્યોર્જે ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીના નાકમાં દમ કરી નાખ્યો હતો.

કયા કારણસર કટોકટી લાગુ થઈ

1971ની સામાન્ય ચૂંટણીમાં ગરીબી હટાવોના નારા સાથે ઈન્દિરા ગાંધીએ પ્રચંડ બહુમત મેળવ્યો હતો. (518માંથી 352 બેઠકો) એ જ વર્ષના અંતમાં પાકિસ્તાનને યુદ્ધમાં પણ પછાડ્યું હતું અને બાંગ્લાદેશનું અસ્તિત્વ નક્શા પર આવ્યું હતું. આ બધી ઘટનાઓ બાદ ઈન્દિરા ગાંધી ગૂંગી ગુડિયામાંથી મા દુર્ગા બન્યા હતાં અને તેમને આર્યન લેડી તરીકે પણ ઓળખવામાં આવતા હતાં. તે જ વર્ષે તેમને ભારત રત્ન પણ મળ્યો.

પરંતુ 1971માં લોકસભા ચૂટણીની ચૂંટણીનો એક મામલો હતો. જેમાં તેમણે પોતાના મુખ્ય હરિફ રાજ નારાયણને હરાવ્યાં હતાં. પરંતુ ચૂંટણી પરિણામ આવ્યાંના ચાર વર્ષ બાદ રાજ નારાયણે હાઈકોર્ટમાં ચૂંટણી પરિણામને પડકાર્યું હતું. તેમની દલીલ હતી કે ઈન્દિરા ગાંધીએ ચૂંટણીમાં સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો, નક્કી મર્યાદા કરતા વધુ ખર્ચ કર્યો અને મતદારોને પ્રભાવિત કરવા માટે ખોટી રીતોનો ઉપયોગ કર્યો. કોર્ટે આ આરોપો યોગ્ય ઠેરવ્યાં અને આમ છતાં ઈન્દિરા ગાંધી ટસને મસ ન થયાં.

ત્યારબાદ 25-26 જૂન 1975ની મધરાતે દેશમાં કટોકટી લાગુ કરી દેવાઈ. કટોકટી લાગુ થયા બાદ આકાશવાણી પર પ્રસારિત પોતાના સંદેશમાં ઈન્દિરા ગાંધીએ કહ્યું કે મેં સામાન્ય માણસો અને દેશની મહિલાઓના ફાયદા માટે કેટલાક પ્રગતિશીલ પગલાં લીધા છે. એટલે મારા વિરુદ્ધ ભયંકર કાવતરું રચાઈ રહ્યું હતું. કટોકટી લાગુ થતા જ મીસા કાયદા હેઠળ રાજકીય વિરોધીઓની ધરપકડ થઈ. જય પ્રકાશ નારાયણ, જ્યોર્જ ફર્નાન્ડિસ અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓની ધરપકડ થઈ હતી.

(12:00 am IST)