મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

તૃણમુલ કોંગ્રેસના યુવા મહિલા નેતા નુસરત જહાં શપથગ્રહણમાં સાડી-સેંથામાં સિંદુર-હાથમાં ચુડો પહેરીને પહોંચ્યાઃ સ્પીકરને પગે લાગ્યા

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસની યુવા મહિલા નેતા નુસરત જહાં પહેલીવાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. નુસરત જહાંએ આજે લોકસભા સાંસદ પદે શપથ લીધા. વંદે માતરમના નારા સાથે નુસરતે શપથ લેવાનું શરૂ કર્યું. એટલું જ નહીં તેણે સ્પીકરના ચરણસ્પર્શ પણ કર્યાં. અત્રે જણાવવાનું કે 19 જૂનના રોજ તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે નુસરતે હિન્દુ અને ક્રિશ્ચન વિધિથી લગ્ન કર્યાં. લગ્નના કારણે નુસરત લોકસભા શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી શક્યા નહતાં. નુસરતે 20 જૂનની સવારે પોતાના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં તે હિન્દુ રિતી રિવાજથી ફેરા લેતા જોવા મળ્યાં હતાં.

નુસરત શપથગ્રહણ સમારોહમાં સાડી પહેરીને પહોંચ્યા હતાં. આ સાથે જ તેમણે સેંથામાં સિંદૂર પણ પૂર્યું હતું. હાથમાં ચૂડો પહેર્યો હતો. નુસરતને જોઈને લાગતુ હતું કે હમણા જ લગ્ન થયા છે. નુસરત ઉપરાંત અભિનેત્રી મિમી ચક્રવર્તીએ પણ સાંસદ તરીકે શપથ લીધા.

બંને અભિનેત્રીઓ ચૂંટણી જીત્યા બાદ જ્યારે પહેલીવાર સંસદ પહોંચ્યા તો તેમણે સંસદ ભવન બહાર ફોટો પડાવ્યાં હતાં જેના કારણે ખુબ ટ્રોલ થયા હતાં. એટલું જ નહીં યૂઝર્સે સલાહ આપી કે આ સંસદ છે, ફિલ્મનો સેટ નથી કે જ્યાં ફેશન શો કરી રહ્યાં છો. કેટલાક યૂઝર્સનું કહેવું હતું કે સંસદમાં શાલીનતા જાળવી રાખવી જોઈએ. હવે માત્ર અભિનેત્રી નહીં પરંતુ સાંસદ છે.

અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણીમાં અનેક ફિલ્મી હસ્તીઓએ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. જેમાં કોઈ જીત્યા તો કોઈ હાર્યાં. નુસરત જહાં અને મિમી ચક્રવર્તી બંગાળની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. નુસરતે પશ્ચિમ બંગાળની બશીરહાટ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી. નુસરતે 350369 મતોથી જીત મેળવી હતી. જ્યારે મિમી ચક્રવર્તીએ જાધવપુર બેઠક પરથી તૃણમૂલ તરફથી ચૂંટણી લડી હતી.

(12:00 am IST)