મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

પાકિસ્‍તાન ભડકે બળે છે : ઇમરાન સમર્થકો - પોલીસ આમનેસામને : બેકાબુ સ્‍થિતિ : સૈન્‍ય તૈનાત

દેશમાં ગૃહયુધ્‍ધ જેવી સ્‍થિતિ : ઇમરાનની રેલી હિંસક : મેટ્રો સ્‍ટેશન ફૂંક્‍યુ : ઇસ્‍લામાબાદમાં તનાવ

ઇસ્‍લાબાદ તા. ૨૬ : ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને સેંકડો સમર્થકોની સાથે ઇસ્‍લામાબાદ તરફ રેલી કરી.ઇમરાન ખાનની આ લાંબી રેલી ઇસ્‍લામાબાદમાં પ્રવેશ કરી ચુકી છે. ઇસ્‍લામાબાદમાં આવ્‍યા પહેલા જ પીટીઆઈનાᅠઅનેક કાર્યકર્તાઓ અને પોલીસ વચ્‍ચે અથડામણ જોવા મળી રહી છે.ᅠ

અથડામણ બાદ અનેક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ અથડામણ બાદ ઈસ્‍લામાબાદના ચાઈના ચોક મેટ્રો સ્‍ટેશનને આગ ચાંપી દેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનો વચ્‍ચે ઈસ્‍લામાબાદમાં બગડતી કાયદો અને વ્‍યવસ્‍થાને જોતા પાકિસ્‍તાન સરકારે શહેરમાં પાકિસ્‍તાની સેના તૈનાત કરવાનો આદેશ આપ્‍યો છે.

ઈમરાન ખાને વહેલી ચૂંટણી કરાવવાના દબાણમાં આઝાદી માર્ચની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ માર્ચમાં ભાગ લેનારા લોકો બેકાબૂ બની રહ્યા છે, જેના કારણે ઘણી જગ્‍યાએ હિંસક ઘટનાઓ પણ બની રહી છે. ઈસ્‍લામાબાદમાં દેખાવકારોએ અનેક વૃક્ષો અને વાહનોને સળગાવી દીધા છે. પાકિસ્‍તાન પ્રશાસને આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્‍ડરોનો સહારો લેવો પડ્‍યો હતો.

પાકિસ્‍તાન પોલીસે દેખાવકારોને શાંત કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્‍યા હતા. ઈમરાન ખાનના સમર્થકોને ઈસ્‍લામાબાદના ડી-ચોક તરફ જતા રોકવામાં આવી રહ્યા હતા, ત્‍યારબાદ પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્‍ચે ઘર્ષણ થયું. આ કૂચને પોતાનું સમર્થન જાહેર કરતાં ઈમરાન ખાને તમામ પાકિસ્‍તાનીઓને રસ્‍તા પર ઉતરીને વિરોધ નોંધાવવા વિનંતી કરી છે. મહિલાઓ અને બાળકોને પણ ઘરની બહાર આવવા અપીલ કરવામાં આવી છે.

પાકિસ્‍તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે ટ્‍વિટર પર લખ્‍યું છે કે ઈસ્‍લામાબાદમાં બગડતી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને ટાંકીને અને ઈસ્‍લામિક રિપબ્‍લિક ઓફ પાકિસ્‍તાનના બંધારણના અનુચ્‍છેદ ૨૪૫ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને પાકિસ્‍તાન સેનાની પૂરતી સંખ્‍યામાં સૈનિકો તૈનાત કરવામાં આવશે. છે. દેશમાં વધી રહેલા તણાવ વચ્‍ચે ઈમરાન ખાન ઈસ્‍લામાબાદમાં પ્રવેશ્‍યા બાદ પાકિસ્‍તાન સરકારે મહત્‍વપૂર્ણ સરકારી ઈમારતોની સુરક્ષા માટે ‘રેડ ઝોન'માં સેનાને તૈનાત કરી છે.

સરકારી આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાનની સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કાર્યાલય અને અન્‍ય સહિત મહત્‍વની સરકારી ઈમારતોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ હિંસક ઘટના વચ્‍ચે, પાકિસ્‍તાનના માનવાધિકાર આયોગ (HRCP) એ ટ્‍વિટ કર્યું, ‘અમે માનીએ છીએ કે તમામ નાગરિકો અને તમામ રાજકીય પક્ષોને શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અને વિરોધ કરવાનો અધિકાર છે.'

ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્‍તાનમાં ચૂંટણીની જાહેરાત ન થાય ત્‍યાં સુધી ઈસ્‍લામાબાદમાં ધરણા પ્રદર્શન અને માર્ચ ચાલુ રહેશે.

(12:29 pm IST)