મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

હવે મોદી સરકારમાં નવા નાણામંત્રી અંગે ચાલી રહેલી અટકળોઃ અરૂણ જેટલી પિયુષ ગોયલ અને અમીત શાહના નામ આગળ

લોકસભા ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદીએ બમ્પર જીત મેળવી છે અને હવે નજર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં કોને-કોને સ્થાન મળશે તેની ચર્ચા પણ શરૂ થઇ ગઇ છે. સૌથી મોટી ચર્ચા એ છે કે દેશના આગામી નાણામંત્રી કોણ બનશે? અરૂણ જેટલીને રિપીટ કરવામાં આવશે કે પછી તેમની અવેજીમાં કાર્યકારીનો હવાલો સંભાળનાર પિયુષ ગોયલને કાયમી કરવામાં આવશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

જાણકારો એવું માને છે કે પાછલી સરકારમાં નાણાંમંત્રી તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરનારા અરૂણ જેટલીને આ વખતે નાણાંમંત્રી બનાવવામાં આવશે નહીં. આની પાછળનું કારણ તેમની લથડતી તબિયત માનવામાં આવે છે. એક ન્યુઝ એજન્સીએ સૂત્રોના હવાલેથી ચાર નામો આગળ ચાલી રહયાં હોવાનો દાવો કર્યો છે.

એજન્સીનો દાવો છે કે નાણાંમંત્રી બનવાની દોડમાં સૌથી આગળ પીયુષ ગોયલ છે જેમને અરૂણ જેટલીની અવેજીમાં પણ ઘણી વખત મંત્રાલય સંભાળ્યું છે. આ યાદીમાં બીજું નામ અમિત શાહનું પણ છે. દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદી આ પદ પર પોતાના જ કોઇ વિશ્વાસુ વ્યક્તિને બેસાડવા માગે છે. એવામાં અમિત શાહ એક મોટું નામ હોઇ શકે.

સૂત્રો મુજબ, 66 વર્ષ સુધી અરૂણ જેટલી એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સંભાળવા માટે હાલ ફિટ નથી. આ પરિસ્થિતમાં પિયુષ ગોયલ વધારે ફિટ હોવાની દલીલ પણ કરવામાં આવી છે. આ બાબતે અરૂણ જેટલીને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો હતો એ સમયે તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું.

(12:12 pm IST)