મુખ્ય સમાચાર
News of Sunday, 26th May 2019

આખરે રાહુલ ગાંધીએ સ્‍વીકાર્યુ કે કોંગ્રેસના પરાજય માટે આંતરીક જુથવાદ નડયો છેઃ સીનીયર નેતાઓએ પુત્રોના હિતની ચિંતા કરી હતી જેનું પરિણામ પક્ષે ભોગવ્‍યું છેઃ સીડબલ્‍યુસી ની બેઠકમાં રાહુલે બેઘડક વાતો કરી.

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ખેંચતાણની વાતો જૂની નથી, અવાર-નવાર કોંગ્રેસનો ગૃહકલેશ બહાર આવતો રહે છે, તાજેતરની લોકસભા ચૂંટણી 2019માં થયેલા કારમા પરાજય પાછળ પણ હવે કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ કારણભૂત હોય એવું નિવેદન રાહુલ ગાંધીએ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર આરોપ લગાવ્યો કે, તેમણે પાર્ટીથી પહેલા પોતાના પુત્રોના હિતને આગળ રાખ્યો હતો. શનિવારે મળેલી CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ ઉપરોક્ત વાત જણાવી હતી.

લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પાર્ટીથી પહેલા પુત્ર-હિતને આગળ રાખ્યો હતો.'

CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના પરાજયની જવાબદારી સ્વિકારતા રાજીનામાની ઓફર કરી હતી. જોકે, પાર્ટીના સભ્યોએ તેમના આ પ્રસ્તાવને સર્વસંમતિ સાથે ફગાવી દીધો હતો અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાર્ટીનું નેતૃત્વ જાળવી રાખવાનો આગ્રહ કર્યો હતો. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયના કારણે અંગે મહામંથન કરવામાં આવ્યું હતું અને એક પ્રસ્તાવ પણ પસાર કરાયો છે. સાથે જ બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના સંગઠનમાં દરેક સ્તરે ધરમૂળથી ફેરફાર કરવા માટે પણ સત્તા આપવામાં આવી છે.

બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પત્રકારોને જણાવ્યું કે, "રાહુલ ગાંધીએ રાજીનામની ઓફર કરી હતી. બધા જ સભ્યોએ સર્વસંમતી સાથે તેમની ઓફર ફગાવી દીધી છે અને તેમને જણાવ્યું છે કે, પાર્ટીને તમારા નેતૃત્વની જરૂર છે. જો કોઈ નેતા રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવી શકે છે તો તે રાહુલ ગાંધી છે."

(11:43 am IST)