મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

ભાજપના યેદીયુરપ્પા એકસન મોડમાં

કીધા મુજબ ૨૪ કલાકમાં કિશાનોની લોન માફ કરો : નહિ તો આંદોલન

બેંગલુરુ તા. ૨૬ : કર્ણાટક ભાજપના વડા યેદીયુરપ્પાએ આક્રમક વલણ અપનાવી ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે એચ. ડી. કુમારસ્વામીના વડપણ હેઠળની કોંગ્રેસ-જેડી (એસ)ની સરકાર ૨૪ કલાકની અંદર ખેડૂતોની લોન માફ નહીં કરે તો તેઓ રાજયવ્યાપી આંદોલન કરશે.

વિધાનસભામાં કુમારસ્વામી બહુમતી પુરવાર કરે તે અગાઉ પત્રકારોને આપેલી મુલાકાતમાં યેદીયુરપ્પાએ કહ્યું હતું કે રાષ્ટ્રીયકૃત બેક પાસેથી લીધેલા ધિરાણ સહિતની રૂ.૫૩૦૦૦ કરોડની લોન માફ કરવાનું જેડી (એસ)ના નેતાએ વચન આપ્યું હતું.

મુખ્ય પ્રધાન તરીકેનો હોદ્દા સંભાળ્યાના ૨૪ કલાકમાં ખેડૂતોની લોન માફ કરવાનું વચન તમે આપ્યું હતું.  હવે ખેડૂતો તમારા કોઈ બહાના કે વાત નહીં સાંભળે. આ વિશેષ સત્ર દરમિયાન જ તમારે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવી પડશે અન્યથા અમે રાજયવ્યાપી આંદાલનની યોજનાનો વ્યૂહ ઘડી કાઢીશું, એમ યેદીયુરપ્પાએ કહ્યું હતું.

યેદીયુરપ્પાએ કહ્યું હતું કે હું કોંગ્રેસ વિશે કંઈ જ નહીં બોલું કેમ કે કોંગ્રેસ જેડી (એસ)ને ખતમ કરવા જ બહાર પડી છે.  જોકે તેમણે કહ્યું હતું કે ભાજપની મુખ્ય લડાઈ કુમારસ્વામીની ખેડૂતવિરોધી, જનતાવિરોધી ભ્રષ્ટ સરકાર સામેની હતી.

જેડી (એસ) સરકારના શાસનકાળમાં ભ્રષ્ટાચાર ચાલતો જ રહેશે અને જનતાના હિતોનું રક્ષણ કરવાની ચિંતા કોઈ નહીં કરે, એમ તેમણે કહ્યું હતું.  સિંચાઈને પ્રાથમિકતા આપવામાં નહીં આવે. હાલના સંજોગોમાં વિપક્ષ તરીકે લોકોના હિતોનું રક્ષણ કરવું એ મારી ફરજ છે, એમ તેમણે કહ્યું હતું.  દરમિયાન, યેદીયુરપ્પાને શુક્રવારે કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી.  નવા જ ચૂંટાયેલા સ્પીકર કે. આર રમેશકુમારે આ જાહેરાત કરી હતી. ગોવિદં કાર્જેલ નાયબ વિપક્ષ નેતા હશે, એમ તેમણે કહ્યું હતું.(૨૧.૨)

 

(3:53 pm IST)