મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

મોદી સરકારના ૪ વર્ષ : ટ્વીટર પર 3.15 મિનિટનો વીડિયો પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપ્યો તેમની સરકારનો ૪ વર્ષનો સંપૂર્ણ રીપોર્ટ : વીડિયોમાં ‘સાફ નિયત, સહી વિકાસ’ સૂત્ર પર ભાર મુકવામાં આવ્યો

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 2014માં આજના જ દિવસે શપથ લીધી હતી. કેંદ્ર સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ શનિવારે એક બાદ એક ટ્વિટ કર્યા. જેમાં એક ટ્વિટમાં તેમણે વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં મોદી સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી છે. વીડિયોને ‘સાફ નિયત, સહી વિકાસ’ અભિયાન હેઠળ બનાવાયો છે.

પ્રધાનમંત્રી મોદીએ વધુ એક ટ્વિટ કર્યું જેમાં લખ્યું કે, “2014માં આજના જ દિવસે ભારતમાં ફેરફારોની સફર શરૂ થઈ હતી. છેલ્લા 4 વર્ષોમાં વિકાસ જન આંદોલન બની ગયો. દેશનો દરેક નાગરિક આમાં પોતાની ભાગીદારી માની રહ્યો છે. 125 કરોડ ભારતીયો ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે.”

 

પ્રધાનમંત્રી મોદી શનિવારે ઓડિશાના શહેર કટક પહોંચશે. કેંદ્ર સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર અહીં પ્રધાનમંત્રી પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. PMનો કાર્યક્રમ હોવાથી શહેરના બાલીયાત્રા મેદાનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પ્રધાનમંત્રી મોદી અહીં જનસભા સંબોધશે. ભાજપ નેતાઓનો દાવો છે કે આ જનસભામાં 3 લાખ લોકો ઉપસ્થિત રહેશે.

PM મોદી અહીંથી ‘સાફ નિયત, સહી વિકાસ’ અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન અંતર્ગત ભાજપ મોદી સરકારના 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ લોકો સુધી પહોંચાડશે. આ અભિયાનને 2019ની તૈયારીઓ પણ માનવામાં આવી રહ્યું છે.

 

(4:49 pm IST)