મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

રોજ છ લાખ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા જરૂરી

ડો.વી કે પોલની આગેવાની હેઠળ સરકારને સૂચન : ૧૦ મહિના પહેલા રોજના ત્રણ લાખ દર્દીને ઓક્સિજન સપ્લાય મળે તેવી વ્યવસ્થા કરવા પેનલે સૂચન કર્યું હતું

નવી દિલ્હી, તા. ૨૬ : કેન્દ્ર સરકારના નીતિ આયોગના સદસ્ય ડો.વી કે પોલની આગેવાની હેઠળની એક પેનેલે સરકારને સૂચન કર્યુ છે કે, કોરોનાના સંક્રમણને જોતા રોજ ૬ લાખ દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવી જોઈએ.

આજથી દસ મહિના પહેલા ડો.પોલની પેનલે જ સરકારના આરોગ્ય વિભાગને ચેતવ્યુ હતુ કે રોજના ૩ લાખ દર્દીઓને ધ્યાનમાં  રાખીને સરકારે ઓક્સિજન સપ્લાય મળી રહે તેવી વ્યવસ્થા કરવાની જરુર છે.

ડો.પોલની આગેવાની હેઠળની આ પેનલે પ્લાન બી હેઠળ ઓક્સિજન સપ્લાય વધારવાના ઉપાયની ભલામણ કરી છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, ઓક્સિજન સપ્લાય એટલો વધારવામાં આવે કે રોજના ૬ લાખ દર્દીઓ માટે તે પૂરતો થઈ રહે અને આ માટે સબંધિત અધિકારીઓને જાણકારી આપવી જોઈએ.જેથી ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત થઈ શકે.

સૂત્રોના કહેવા પ્રમાણે સપ્ટેમ્બરમાં કોરોનાની પહેલી લહેર પીક પર હતી ત્યારે ડો.પોલના નેતૃત્વ હેઠળની પેનલે કહ્યુ હતુ કે, રોજના ૩ લાખ નવા દર્દીઓ સામે આવે તેવી ગણતરી રાખીને સરકારે દેશમાં ૧.૬ લાખ આઈસીયુ બેડ, ૩.૬ લાખ નોન આઈસીયુ બેડની વ્યવસ્થા કરે તે જરુરી છે.નોન આઈસીયુ બેડમાં પણ ૭૫ ટકા બેડ ઓક્સિજન સપ્લાયની સુવિધા સાથે સજ્જ હોવા જોઈએ.

ડો.પોલની પેનલની આગાહી હવે સાચી પડી છે અને દેશમાં રોજ ૩ લાખથી વધારે નવા દર્દીઓ સામે આવી રહ્યા છે અને બીજી તરફ ઓક્સિજનથી માંડીને અન્ય તમામ સુવિધાઓની કમી છે.

(9:52 pm IST)