મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

ઓક્‍સિજન સંકટઃ હોસ્‍પિટલમાં બેડ ન મળ્‍યો, ન ઓક્‍સિજન મળ્‍યો, રીક્ષામાં પતિને મુખથી શ્વાસ આપતી રહી પત્‍ની, છતાં જીવ ન બચ્‍યોઃ આગ્રાની અરેરાટીભરી ઘટના

આગ્રા : કોરોના વાયરસના કોહરામ વચ્‍ચે ઓક્‍સિજનનું સંકટ વધી રહ્યુ છે. લોકો ખુદને લાચાર અવસ્‍થામાં ગણી રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ વેરવિખેર થઇ ગઇ છે. દેશમાં ઓક્‍સિજન માટે હાહાકાર મચ્‍યો છે, દર્દીઓને એમ્‍બ્‍યુલન્‍સ મળતી નથી કે બેડ મળતા નથી. દવાઓ અને ઇન્‍જકેશનોના કાળા બજાર થઇ રહ્યા છે. લોકોને રેકડી અને રીક્ષામાં પરિવારજનોને હોસ્‍પિટલ લઇ જવા પડી રહ્યા છે અને અંતમાં બેડ ન મળવાથી હોસ્‍પિટલની બહાર જ અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. સોશ્‍યલ મીડિયા પર આવી પરિસ્‍થિતિની ભયાનક તસ્‍વીરો-વીડિયો વાયરલ થઇ રહ્યા છે. એવામાં આગ્રાથી હૃદયને હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્‍યા છે. શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરી રહેલા પોતાના પતિને લઇને ૩-૪ હોસ્‍પિટલોના ચક્કર લગાવ્‍યા બાદ રેણુ સિંઘલ નામની મહિલા એક ઓટો રીક્ષામાં એક સરકારી હોસ્‍પિટલ પહોંચી અને તેણીએ પોતાના પતિને મોઢાથી શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો, આમ છતાં પોતાના પતિનો જીવ બચાવી શકી ન હતી. આ દરમિયાન રેણુને એમ્‍બ્‍યુલન્‍સ પણ મળી નહોતી. તેણી ૩ થી ૪ ખાનગી હોસ્‍પિટલોમાં પતિને લઇને ગઇ હતી પરંતુ જગ્‍યા મળી ન હતી. બેડની શોધમાં એક હોસ્‍પિટલથી બીજી હોસ્‍પિટલના ચક્કર કાપવા છતાં તેને રાહ જોવી પડી હતી.  આ તસ્‍વીર અને અહેવાલ સોશ્‍યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. પતિના મોત બાદ પત્‍નીને વિશ્વાસ ના આવ્‍યો અને તે એકધારી રડતી માલુમ પડી હતી.

 

(3:34 pm IST)