મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

૧મે થી ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મળવી મુશ્કેલ!

૪ બીનભાજપી રાજયોએ કહયું કે, રસીનો પુરતો સ્ટોક નથી તો રસીકરણ કઇ રીતે થાય?

નવી દિલ્હી, તા.૨૬: ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનું રસીકરણનો પ્રારંભ ૧મે થી થશે પરંતુ બીન ભાજપી રાજયોએ હાથ ઉંચા કરી દીધા છે. તેઓએ કેન્દ્રને કહી દીધું કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ નથી.

અભિયાન શરૂ કરવામાં અસમર્થતા દર્શાવીને કોંગ્રેસ શાસિત રાજસ્થાને જણાવ્યું કે કોવીશીલ્ડ બનાવતી કંપની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ કહયું છે કે તે ૧૫મે પહેલા વેકસીન આપી શકશે નહી. રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુશર્માએ કહયું કે અમે સીરમ ઇન્સ્ટીટયુટ સાથે વાત કરી તેમને કહયું કે કેન્દ્રના ઓર્ડર અગાઉથી પડેલા છે. તેને પૂરા કરવામાં ૧૫મે સુધીનો સમય લાગશે. અમારી સમસ્યા એ છે કે રાજયમાં ૧૮ થી ૪૫ ઉંમરવાળા લોકોની સંખ્યા ૩.૧૩ કરોડ છે. એને અમે કઇ રીતે રસી લગાવી.

પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે સંયુકત પત્રકાર પરીષદ સંબોધન કરીને કહયું કે વેકસીનની કિંમત ચુકવવા તૈયાર છીએ. પરંતુ કિંમત દરેક માટે સરખી હોવી જોઇએ.

છત્તીસગઢના સ્વાસ્થયમંત્રી ટીએસ સિંહ દેવે અન્ય મંત્રીઓની સાથે સંમતિ દર્શાવીને કહયું કે આસામમાં પણ સમસ્યા ઉભી થઇ રહી છે. આસામે વેકસીનના ઓર્ડર આપ્યા હતા પરંતુ માલુમ પડયુ છે કે તેને એક મહીનાની રાહ જોવાનું કહયુ છે. 

ચારેય રાજયોના સ્વાસ્થ્ય મંત્રીઓે કહયું કે તેઓ પહેલી તારીખ થી યુવાઓનુ રસીકરણ અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે પરંતુ રસી બનાવનાર કંપનીએ કહયું છે કે તેઓ સપ્લાય કરી શકશે નહી. રસી વગર રસીકરણ કેવી રીતે કરવું?

આ બધાની વચ્ચે પંજાબ સરકારે એ નિવેદનમાં કહયું છે કે સ્વાસ્થય મંત્રાલયે કોવીશીલ્ડના ૩૦ લાખનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ કેન્દ્ર પાસેથી મળેલી સુચના મુજબ વેકસીનની સપ્લાય ૧૫મે પહેલા થઇ શકશે નહી.

(11:34 am IST)