મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

૧૯ રાજ્યોને ડીમાન્ડ અનુસાર કે તેથી વધુ ઓકસીજન અપાય છે છતાં મૃત્યુ કેમ ?

૩ દિ'માં જ ઓકસીજનની ડિમાન્ડ ૨૫ ટકા વધી : ૨૨ રાજ્યોમાં સ્થિતિ ગંભીર

નવી દિલ્હી તા. ૨૬ : દેશમાં કોરોના મહામારી વચ્ચે ઓકસીજનનું સંકટ બહુ ગંભીર બની ગયું છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં ઓકસીજનના મળવાના કારણે દર્દીઓના મોત થઇ રહ્યા છે પણ સરકારી આંકડાઓ માનીએ તો દેશના ૧૯ રાજ્યોને પૂરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહ્યો છે. આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે કેન્દ્ર સરકારના પ્રધાન અને સચિવ ૧૧૦ ટકા ઓકસીજન ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યા છે. તેમના અનુસાર દેશમાં ઓકસીજનની અછત જ નથી. રાજ્યોને તેમની માંગણી અનુસાર ઓકસીજન અપાઇ રહ્યો છે. રેલવે પ્રધાન પીયુષ ગોયલ પણ હાલમાં જ ૧૧૦ ટકા ઓકસીજન હોવાનો દાવો કરી ચૂકયા છે.

પણ અમર ઉજાલાને મળેલ ઓકસીજન સપ્લાયના દસ્તાવેજો અનુસાર ૧૯ રાજ્યોને તેમની માંગણી અનુસાર ઓકસીજન મળી રહ્યો છે. તેમાંથી કેટલાક રાજ્યોને માંગ કરતા વધારે ઓકસીજન પણ મળી રહ્યો છે. જ્યારે તામિલનાડુ, ગુજરાત અને હરિયાણા ત્રણ એવા રાજ્યો છે જેને તેમની માંગણી કરતા ઓછો ઓકસીજન પહોંચી રહ્યો છે.

દસ્તાવેજો અનુસાર તામિલનાડુએ ૨૮૦ મેટ્રીક ટન ઓકસીજનની રોજની માંગણી કરી છે પણ તેમને ૨૨૦ મેટ્રીક ટન જ મળી રહ્યો છે. ગુજરાતમાં ૧ હજારની જગ્યાએ ૯૭૫ અને હરિયાણામાં ૧૮૦ની જગ્યાએ ૧૬૦ ટનનું એલોટમેન્ટ થયું છે. આ રાજ્યોની માંગણી કરતા તમિલનાડુને ૨૧.૪ ટકા, ગુજરાતને ૨.૫ અને હરિયાણાને લગભગ ૧૦ ટકા ઓકિસજન ઓછો મળી રહ્યો છે.

ઓકસીજનની અછત અંગે રાષ્ટ્રીય સ્તરે રચાયેલ સમિતિના એક સભ્યએ જણાવ્યું કે, દેશમાં ઓકસીજનનું ઉત્પાદન હવે આઠ હજાર મેટ્રીક ટન પર પહોંચ્યું છે પણ રાજ્યોની માંગ વધારે છે, દેશના ૨૨ રાજ્યોમાં હાલત ગંભીર છે. એટલે ત્યાંથી ૮૩૩૧ મેટ્રીક ટનની છેલ્લા એક દિવસમાં માંગ થઇ છે. જેમાંથી રવિવારે સાંજ સુધીમાં ૮૨૮૦ મેટ્રીક ટન ઓકસીજન જ ઉપલબ્ધ કરાવી શકાયો હતો.

(10:55 am IST)