મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

કોરોના સામેના જંગમાં ભારતની મદદે આવ્યું અમેરિકા : વેકસીન માટે કાચો માલ આપશે

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે થયેલી વાતચીતમાં આ અંગે સહમતિ બની

નવી દિલ્હી, તા.૨૬: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ દ્યાતક સાબિત થઈ રહી છે. દેશમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ મોતનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં બ્રિટને પહેલા ભારતની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે અમેરિકાએ ભારતને મદદ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકા ભારતને વેકસીન ઉત્પાદન, ઓકસીજનથી લઈને વેન્ટિલેટર સહિત દરેક સ્તરે મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે થયેલી વાતચીતમાં આ અંગે સહમતિ બની છે. વાતચીત દરમિયાન અમેરિકાએ ભારતીય કોરોના વેકસીન કોવિશીલ્ડ માટે કાચો માલ આપવાની તૈયાર બતાવી છે.

રવિવારે અમેરિકાના NSA જેક સુલિવન અને ભારતના NSA અજીત ડોભાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન અમેરિકાએ ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. ભારત અને અમેરિકામાં આજકાલ કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ છે. ભારત અને અમેરિકા વચ્ચે મેડિકલ ક્ષેત્રે સાત દાયકાથી સહયોગ રહ્યો છે. એવામાં બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ સંકટના સમયમાં એકબીજાનો સાથ આપવાની વાત કરી હતી. કોરોના મહામારીની શરૂઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી. હવે અમેરિકા ભારતની મદદ માટે સહમત થયું છે.

અમેરિકાએ આ દરમિયાન ઝડપથી ભારતને કોરોના સંકટ સામે લડાઈ લડવા માટે દરેક સંભવિત મદદ કરવાનો અને સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવી છે. અમેરિકા ભારતમાં બની રહેલી કોરોના વેકસીન કોવિશીલ્ડના ઉત્પાદન માટે કાચો માલ આપવા માટે પણ તૈયાર છે. ભારતમાં કોરોના દર્દીઓની સારવાર માટે ફ્રન્ટ વર્કર્સની સુરક્ષા માટે અમેરિકા જરૂરી એવી પીપીઈ કીટ, ટેસ્ટિંગ કીટ, વેન્ટિલેટર્સ સહિતની વસ્તુઓ મોકલશે.

અમેરિકા તાત્કાલિક ભારતને ઓકસીજન ઉત્પાદન અને તેના પુરવઠા માટે જરૂરી સંશાધનો મોકલવા માટે પણ રાજી થયું છે. અમેરિકા ભારતની વેકસીન નિર્માતા કંપનીને ફંડ આપવા માટે પણ તૈયાર થયું છે, જેનાથી કંપની ૨૦૨૨ના અંત સુધી એક અબજ ડોઝ બનાવી શકે. આ બેઠક દરમિયાન બંને દેશના NSA ભવિષ્યમાં પણ એકબીજાના સતત સંપર્કમાં રહેવા માટે તૈયાર થયા છે.

(10:16 am IST)