મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

EPF પર વ્યાજદર વધારી ૮.૬૫ ટકા કરાયો : છ કરોડને સીધો લાભ

કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા ઇપીએફઓના નિર્ણયને મંજુરી અપાઈ : ૨૦૧૮-૧૯માં ૮.૬૫ ટકા વ્યાજદર ચુકવવાનો નિર્ણય કરાયો : ત્રણ વર્ષના ગાળામાં ૨૦૧૮-૧૯માં પ્રથમવાર વધારો કરવામાં આવ્યો : ખુશીનું મોજુ

નવીદિલ્હી, તા. ૨૬ : એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ (ઇપીએફ) પર નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૬.૬૫ ટકા વ્યાજ મળશે. કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા વ્યાજદર વધારવાના ઇપીએફઓના નિર્ણયને મંજુરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ આ ક્ષેત્રમાં કામ કરનાર આશરે છ કરોડથી વધારે કર્મચારીઓને મળશે. ઘટનાક્રમ અંગે માહિતી ધરાવનાર લોકોએ કહ્યું છે કે, કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ કામ કરનાર નાણાંકીય સેવા વિભાગ (ડીએફએસ) દ્વારા ઇપીએફઓને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇપીએફ ઉપર વ્યાજદર ૮.૬૫ ટકા કરવાના નિર્ણયને મંજુરી આપી દેવામાં આવી છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારના નેતૃત્વમાં ઇપીએફઓની ટોચની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇપીએફ ઉપર વ્યાજદરને વધારીને ૮.૬૫ ટકા કર્યો હતો જે ત્રણ વર્ષની અંદર વ્યાજદરમાં પ્રથમ વખત વધારો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ઇપીએફ ઉપર વ્યાજદર ૮.૫૫ ટકા કર્યો હતો જેને વધારી ૮.૬૫ ટકા કરવામાં આવ્યો હતો. ઇપીએફઓ દ્વારા પહેલા ૨૦૧૬-૧૭માં વ્યાજદરને ઘટાડીને ૮.૬૫ ટકા કરવામાં આવ્યો હતો જે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા હતા. ઇપીએફઓ વ્યાજદરને લઇને છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી પરંતુ આજે આને લઇને મંજુરી મળી ગઈ છે. બીજી બાજુ નાણામંત્રાલય દ્વારા લિસ્ટેડ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતી રોયલ્ટી ઉપર નિયંત્રણ મુકવાની સામે વાંધા ઉઠાવ્યા છે. નાણામંત્રાલય દ્વારા સિક્યુરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાની લિસ્ટેડ કંપનીઓ દ્વારા રોયલ્ટી ચુકવણી ઉપર નિયંત્રણો લાદવાની હિલચાલનો વિરોધ કર્યો છે. કેટલીક બાબતોને લઇને આની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટર આ સંદર્ભમાં એપ્રિલથ જુલાઇ સુધી નિયમના અમલીકરણને રોકી દેવાનો નિર્ણય કર્યો છે. સેબી દ્વારા એવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે, રોયલ્ટી ચુકવણી માટે માઇનોરિટી શેર હોલ્ડરની મંજુરી ફરજિયાત કરવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ આરબીઆઈ દ્વારા વિદેશી ફંડ પ્રવાહને આકર્ષિત કરવા માટે કેટલીક નવી રણનીતિ અપનાવી છે. નાણામંત્રાલયનું કહેવું છે કે, રોયલ્ટી ચુકવણી માટે ફરજિયાત કરવાની બાબત સરકારમાં મેન્યુફેક્ચરિંગના ઉદ્યોગને તેજી આપવાની ગતિને નુકસાન કરી શકે છે. ભારતીય કંપનીઓ પણ માને છે કે, આ પ્રકારના નિયમથી લિસ્ટિંગથી વિદેશી કંપનીઓને રોકશે.

(7:50 pm IST)