મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

બેંકોના નિરીક્ષણ અહેવાલ RTI એક્‍ટ હેઠળ રજૂ કરવા કોર્ટનો RBI ને આદેશ

કોર્ટે આરબીઆઇને ચેતવણી આપી કે ભવિષ્‍યમાં આરટીઆઇના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ‘ગંભીરતા'થી લેવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૨૬: સુપ્રીમ કોર્ટે આરબીઆઈને આરટીઆઇ હેઠળ બેંકોના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ વિશેની સૂચનાને જાહેર કરવાનો આદેશ આપ્‍યો છે, જયાં સુધી તેમને કાયદા હેઠળ તેનાથી છૂટ ન મળે. કોર્ટે આરબીઆઇને ચેતવણી આપી કે ભવિષ્‍યમાં આરટીઆઇના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતા'થી લેવામાં આવશે. સાથે જ આરટીઆઈ અંતર્ગત બેન્‍કોની માહિતી જાહેર કરવા અંગે આરબીઆઈની નીતિની સમીક્ષા કરવા આરબીઆઈને જણાવાયું છે. જસ્‍ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્‍ટિસ એમ. આર. શાહની બેંચે આરબીઆઈને ચેતવણી આપી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના થવા પર હવે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આરબીઆઈને પોતાની નોન-ડિસ્‍ક્‍લોઝર પોલિસીને રદ કરવા કહ્યું છે જે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરે છે.

 ન્‍યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવની અધ્‍યક્ષતા હેઠળની ખંડપીઠે આરટીઆઈ હેઠળ બેંકો સંબંધિત માહિતી જાહેર કરવા માટે ફેડરલ બેંકને તેની નીતિની સમીક્ષા કરવાનો આદેશ આપ્‍યો હતો અને કહ્યું હતું કે તે કાયદાની અંતર્ગત ફરજિયાત છે.' આરબીઆઈ વિરુદ્ધ કાર્યવાહી સાથે આગળ વધતા બેન્‍ચે સ્‍પષ્ટ કર્યું હતું કે પારદર્શિતા કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે તેઓ છેલ્લી તક આપી રહ્યા છે.

નોંધનીય છે કે આ વર્ષે જાન્‍યુઆરીમાં આરટીઆઇ હેઠળ બેંકોના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ જાહેર ન કરવા બદલ આરબીઆઈને સુપ્રીમ કોર્ટે અવગણના નોટિસ આપી હતી. આ અગાઉ સર્વોચ્‍ચ અદાલત અને સેન્‍ટ્રલ ઇન્‍ફોર્મેશન કમિશન બંનેનું માનવું હતું કે આરબીઆઈ પારદર્શિતા કાયદાની અંતર્ગત માહિતી પ્રાપ્ત કરનારને માહિતી નકારી શકે નહીં.

આરબીઆઇએ તેના બચાવમાં જણાવ્‍યું હતું કે તે પારદર્શિતા કાયદા હેઠળ વ્‍યાખ્‍યાયિત કરાયેલી ઙ્કભૌતિકઙ્ઘ માહિતી ધરાવતી બેંકના વાર્ષિક નિરીક્ષણ અહેવાલની માહિતીને જાહેર ન કરી શકે. આરબીઆઇ આરટીઆઈ કાર્યકર એસ સી અગ્રવાલ દ્વારા આરબીઆઈ સામે ફાઇલ કરાયેલી અવરોધ અરજીની સુનાવણી કરી રહી છે.

(4:29 pm IST)