મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

સાધ્વી રેપ કેસ : આસારામનો પુત્ર નારાયણ સાંઇ અંતે દોષિત

દોષિત જાહેર કરાયા બાદ ૩૦મી એપ્રિલે સજાની જાહેરાત કરાશે : નારાયણ સાંઇ સહિત કુલ પાંચ આરોપીઓ દોષિત જાહેર : પિતા આસારામ બાદ હવે પુત્ર નારાયણ સાંઇ દોષિત : ચુકાદો આવ્યા બાદ કોર્ટ રૂમમાં સોપો

અમદાવાદ,તા. ૨૬ : વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજે બહુ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને દોષિત જાહેર કર્યો હતો. હવે કોર્ટ દ્વારા તા.૩૦મી એપ્રિલના રોજ આ કેસમાં સજાનું એલાન કરવામાં આવશે. કોર્ટે નારાયણ સાંઇ સહિત કુલ પાંચ આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. જે પ્રકારની ગંભીર કલમો નારાયણ સાંઇ વિરૂધ્ધ લાગુ કરાયેલી છે અને જે પ્રમાણે કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે તે જોતાં હવે પિતા આસારામ બાદ પુત્ર નારાયણ સાંઇને પણ બળાત્કારના આ ચકચારભર્યા કેસમાં આજીવન કેદની સજા થઇ શકે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. સુરતની સાધિકા બહેનો સાથે દુષ્કર્મના કેસનો ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ ટ્રાયલ છ વર્ષ સુધી ચાલ્યો હતો. જેમાં સુરત સેશન્સ કોર્ટે આજે મહત્વનો ચુકાદો જાહેર કરી મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત ગંગા, જમના, હનુમાન અને રમેશને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. સાધિકા બહેનો દ્વારા ૧૦ વર્ષ જૂના કેસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સાધિકા બહેનોનું કોર્ટમાં ૧૬૪ મુજબનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ નિવેદનના આધારે જ આખરે કેસ નોંધાયો હતો અને નારાયણ સાંઈ પકડાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં આજે કોર્ટે નારાયણ સાંઈને દોષિત જાહેર કરતાં પીડિતા બહેનોને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પીડિતાની નાની બહેનના કારણે નારાયણ સાંઈ વિરુધ્ધ પુરતા પુરાવા અને દરેક લોકેશનની ઓળખ થઈ હતી. જ્યારે મોટી બહેને આસારામ વિરુધ્ધ કેસ નોંધાવ્યો હતો. નારાયણ સાંઈ વિરુધ્ધ ૫૩ સાક્ષીઓઓએ જુબાની નોંધાઈ ચુકી છે.જેમાંથી અમુક મહત્વના સાક્ષીઓ પણ છે જેમણે નારાણય સાંઈ દ્વારા હવસના શિકાર બનાવાયાનું નજરે જોયું છે અથવા તો આરોપીઓને મદદ કરી હતી પરંતુ બાદમાં તેઓ સાક્ષી બની ગયા હતાં. દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ મુખ્ય આરોપી છે, જ્યારે પાંચ આરોપીઓને પણ દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ગંગા ઉર્ફે ભાવના અને જમના ઉર્ફે ધર્મિષ્ઠાને દુષ્કર્મ બાદ નવડાવવી અને અવાજ ન ઉઠાવવા સમજાવવું- બ્રેઈન વોશ કરવું તથા એકવાર અવાજ ઉઠાવ્યો ત્યારે માર મારવાનો રોલ હતો. જ્યારે હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુર- નારાયણ સાંઈનો ડ્રાઈવર કમ બોડીગાર્ડ હતો. હનુમાન દરેક દુષ્કર્મમાં સાથે જ હતો. રમેશ મલ્હોત્રા ઉર્ફે રાજકુમાર મલ્હોત્રાએ નારાયણ સાંઈને ભાગવામાં મદદ કરી હતી પોતાની કાર આપી હતી. નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ સી, ૩૭૭, ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૨૦ બી, અને ૧૧૪ લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ ૧૨૦ બી પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા ૧૦ વર્ષ અને વધુમાં વધુ અજીવનની સજાની જોગવાઈ છે. સતત હસતા ચહેરા સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ જોવા મળતાં નારાયણ સાંઈને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ કોર્ટ પરિસરમાંથી લાજપોર જેલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ હતી. કોર્ટે દુષ્કર્મ કેસમાં સાધિકાઓની ફરિયાદ પર ચુકાદો આપતા નારાયણ સાઈને દોષિત જાહેર કરતાં તેના ચહેરો પડી ગયો હતો. અત્યાર સુધી સાંઈને પોતે નિર્દોષ છૂટી જશે તેવો ભ્રમ હતો પરંતુ તે આજે ભાંગીને ભુક્કો થઈ જતા તેનું દુઃખ નારાયણ સાંઈના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતું હતું. આસારામના પુત્ર નારાણય સાંઇને સજા કરવામાં આવ્યા બાદ કોર્ટરુમમાં જોરદાર સોપો પડી ગયો હતો. સજાની ચર્ચા હવે ચાલી રહી છે.

અપરાધી નારાયણ સાંઇ બિમારીઓનું ઘર બન્યો

પિતા આસારામ પણ જેલમાં છે

અમદાવાદ, તા. ૨૬ : નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે. ત્યારે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા અને ગમે ત્યારે ફૂલ ફેંકીને સાધિકાઓ સાથે સહશયન કરવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં બિમારીઓનો ભોગ બન્યો છે. નારાયણ સાંઈને કમર, હાડકાંનો રોગ થયો છે. સાથે જ દાંતના અને જડબાને લગતાં રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે. જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે. તા.૨૫ એપ્રિલ, ૨૦૧૮ના રોજ નારાયણ સાંઈના પિતા આસારામે જોધપુર કોર્ટે યૌનશોષણ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ સાથે શિલ્પી અને શરદચંદ્રને પણ ૨૦-૨૦ વર્ષની સજા ફટકારી હતી. હાલ આસારામ આજીવન કેદની સજામાં જેલમાં બંધ છે.

(7:37 pm IST)