મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

વારાણસીથી મોદીની ઉમેદવારી : NDAના દિગ્ગજોની ઉપસ્થિતિ

અમિત શાહ, સુષ્મા સ્વરાજ, પ્રકાશસિંહ બાદલ, નીતિન ગડકરી, નીતિશ કુમાર, ઉધ્ધવ ઠાકરે, પન્નીર સેલ્વમ, પાસવાન વગેરેએ કરાવ્યા એકતાના દર્શન : બુર્ઝુગ મહિલા પ્રસ્તાવક અન્નપૂર્ણા શુકલાને મોદીએ નમન કરી લીધા આશિર્વાદ : પ્રસ્તાવકોમાં સામાજિક કાર્યકરોથી માંડીને ડોમરાજાના પરિવારના સભ્યો સામેલ

વારાણસી તા. ૨૬ : ગઇકાલે વારાણસીમાં ભવ્યાતિભવ્ય રોડ શો યોજીને સમગ્ર શહેરને મોદીમય બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજય મુહુર્તમાં આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભર્યું. પીએમ મોદીએ વિજયી મુહૂર્તમાં વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી. પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે વારાણસી પહોંચ્યા હતાં. અહીં તેમણે કાલ ભૈરવના મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. વડાપ્રધાને ઉમેદવારી પત્ર ભરતા અગાઉ એનડીએનું શકિતપ્રદર્શન કર્યું હતું. ભાજપના સહયોગી દળના નેતાઓ પણ વારાણસી પહોંચ્યા હતાં. પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવતા અગાઉ બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે દેશના તમામ કાર્યકરોનો આભાર વ્યકત કરું છું. હું પણ બૂથ કાર્યકર રહી ચૂકયો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચિપકાવવાની તક મળી હતી. તેમણે કહ્યું કે હું ગંદામાં ગંદા કચરામાંથી ખાતર બનાવું છું અને તેનાથી જ કમળ ખિલવું છું. ત્યારબાદ તેઓ કાલભૈરવ મંદિર પહોંચ્યા હતાં. અહીં તેમણે પૂજા અર્ચના કરી. પીએમ મોદીના કાફલા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. અહીંથી તેઓ ઉમેદવારીપત્ર સોંપવા માટે કલેકટ્રેટ પહોંચ્યાં હતાં. જયાં એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર છે. પીએમ મોદીએ કલેકટ્રેટ પહોંચીની અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતાં.

બીજેપી ચીફ અમીત શાહ, શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાન, પન્નીર સેલ્વમ, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, પીયુષ ગોયલ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણિ અકાળી દળના નેતા પ્રકાશસિંહ બાદલ, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નિતીન ગડકરી, ડો. હર્ષવર્ધનસિંહ, અનુપ્રિયા પટેલ, સુષ્મા સ્વરાજ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપી બીજેપી અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડે સહિત અનેક દિગ્ગજ નેતાની હાજરીમાં પીએમ મોદી ઉમેદવારી પત્રક ભર્યું.

વડાપ્રધાનના નામાંકનના પ્રસ્તાવના રૂપમાં ડોમરાજાથી લઈને ચોકીદાર સુધીનાને સામેલ કરાયા છે. જનસંઘ સાથે જોડાયેલ પૂર્વ મેયર અમરનાથ યાદવ, ડો. આનંદ પ્રભા અને વિશ્વના સૌથી બુઝુર્ગ ૧૨૩ વર્ષના સ્વામી શિવાનંદનં નામ પણ દરખાસ્ત કરનારનું નામ છે.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પીએમ મોદીના નામિનેશનમાં બીએચયુના સંસ્થાપક પંડિત મદનમોહન માલવીયના પુત્ર અને હાઈકોર્ટના રિટાયર્ડ જજ ગિરધર માલવીય સહિત ચાર લોકોને નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ગિરધર યાદવ ઉપરાંત પદ્મભૂષણથી સન્માનિત જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્ર, વીરભદ્ર નિષાદ (મલ્લાહ) અને અશોક (વણકર)ને પ્રસ્તાવક બનાવવામાં આવ્યા હતાં.

નરેન્દ્રભાઈના પ્રસ્તાવમાં સર્વ સમાજ સામેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈના નામનો પ્રસ્તાવ ડોમરાજા જગદીશ ચૌધરી, મદન મોહન માલવીયની દત્તક પુત્રી અન્નપૂર્ણા શુકલા, કૃષી વૈજ્ઞાનિક રામ શંકર પટેલ અને સંઘ કાર્યકર્તા સુભાષ ગુપ્તાએ મુકેલ. ગત લોકસભામાં પણ નરેન્દ્રભાઈના પ્રસ્તાવક તરીકે ભારતરત્ન મદન મોહન માલવીયના પૌત્ર અને બીએચયુના ચાન્સેલર જસ્ટીસ ગીરધર માલવીય અને પદ્મભૂષણ પંડિત છન્નૂલાલ મિશ્રા હતા.

(3:10 pm IST)