મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

વારાણસીથી મોદીનું નામાંકનઃ એનડીએનાં દિગ્ગજો હાજર

ગઈકાલે ભવ્ય રોડ શો કર્યા બાદ આજે પણ વારાણસી મોદીમયઃ વિજયના વિશ્વાસ સાથે ભર્યુ ઉમેદવારી પત્રઃ ઉદ્ધવ ઠાકરે, નીતિશ કુમાર, પ્રકાશસિંઘ બાદલ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓની ખાસ ઉપસ્થિતિ

વારાણસી, તા. ૨૬ :. ગઈકાલે વારાણસીમાં ભવ્યાતિભવ્ય રોડ શો યોજી સમગ્ર શહેરને મોદીમય બનાવી દેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજયના વિશ્વાસ સાથે પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યુ છે. આ સમયે એનડીએના તમામ દિગ્ગજ નેતાઓ આ સમયે ઉપસ્થિત રહ્યા હતાં.

ગઈ રાત સુધી રોડ શો ગંગા પૂજા-આરતીમાં વ્યસ્ત રહ્યા બાદ આજે સવારે વડાપ્રધાને બુથ સ્તરના કાર્યકરોને સંબોધન કર્યુ હતુ તે પછી તેઓ કાશીના કાળ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તે પછી તેઓ કલેકટર ઓફિસ પહોંચ્યા હતા અને એનડીએના નેતાઓ નીતિશકુમાર, રામવિલાસ પાસવાન, ઉદ્ધવ ઠાકરે, પ્રકાશસિંઘ બાદલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

વારાણસીના પંડિતોએ શુભ દિવસ-શુભ તારીખ-સમય નક્કી કર્યો હતો તે સમયે વડાપ્રધાને ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

વડાપ્રધાન મોદી વારાણસીથી બીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ વખતે તેમણે વડાપ્રધાન પદે રહીને ઉમેદવારી પત્ર ભર્યુ છે.

વડાપ્રધાનના નામાંકનના પ્રસ્તાવના રૂપમાં ડોમરાજાથી લઈને ચોકીદાર સુધીનાને સામેલ કરાયા છે. જનસંઘ સાથે જોડાયેલ પૂર્વ મેયર અમરનાથ યાદવ, ડો. આનંદ પ્રભા અને વિશ્વના સૌથી બુઝુર્ગ ૧૨૩ વર્ષના સ્વામી શિવાનંદનં નામ પણ દરખાસ્ત કરનારનું નામ છે.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પીએમ મોદીના નામિનેશનમાં બીએચયુના સંસ્થાપક પંડિત મદનમોહન માલવીયના પુત્ર અને હાઈકોર્ટના રિટાયર્ડ જજ ગિરધર માલવીય સહિત ચાર લોકોને નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ગિરધર યાદવ ઉપરાંત પદ્મભૂષણથી સન્માનિત જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્ર, વીરભદ્ર નિષાદ (મલ્લાહ) અને અશોક (વણકર)ને પ્રસ્તાવક બનાવવામાં આવ્યા હતાં.(૨-૫)

(11:23 am IST)