મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

મર્યા પછી અગ્નિસંસ્કાર થઇ શકે એ માટે ૬૫ વર્ષના બુઝુર્ગે કર્યા કપાસની લાકડી સાથે લગ્ન

કોશામ્બી તા.ર૬: મંગળવારે ઉત્તર પ્રદેશના બસેડી ગામમાં અનોખાં લગ્ન થયાં હતાં. ૬૫ વર્ષના ભલ્લરસિંહ નામના બુઝુર્ગનાં લગ્ન હતાં. લગ્ન માટે મંડપ, શહેનાઇ, ગીત-સંગીત, સજાવટ અને જમણવાર મળી બધી જ વ્યવસ્થા હતી. જાનમાં ૧૦૦ લોકોનો જમણવાર પણ હતો. જો કે તેમની દુલ્હન કોઇ છોકરી નહોતી. દુલ્હનની જગ્યાએ એક કપાસની લાકડીને ચૂંદડી ઓઢાડીને બેસાડવામાં આવી હતી. આ પ્રકારે લગ્ન કરવાની પરંપરાને સ્થાનિક ભાષામાં કુંવરગો સંસ્કાર કહેવાય છે. આ વિસ્તારમાં એવી માન્યતા પ્રવર્તે છે કે હિન્દુ ધર્મમાં કોઇ કુંવારી વ્યકિત મૃત્યુ પામે તો તેને દાહસંસ્કાર આપી શકાતો નથી. જો વાંઢી વ્યકિત ઈચ્છતી હોય કે મોત પછી તેના શરીરને અગ્નિસંસ્કાર આપવામાં આવે તો તેણે કપાસની લાકડી સાથે વિવાહની વિધિ કરાવવી જોઇએ. સામાન્ય રીતે આ પ્રકારની વિધિ થાય ત્યારે ઘરના લોકોની હાજરીમાં એને સાદગીથી પતાવી દેવામાં આવે, પણ ભલ્લરસિંહે તો ધામધૂમથી વરઘોડો કાઢયો, એમાં લોકોનએ નાચ-ગાન દ્વારા મસ્તી પણ કરી, પરંપરા અનુસાર લગ્નના માંડવે દુલ્હનનું સ્વાગત થયું અને લગ્નની તમામ વિધિ પણ થઇ. હવે ભલ્લરસિંહ ખુશ છે, કેમ કે હવે જો તેમનું મૃત્યુ થાય તો તેમને અગ્નિસંસ્કાર આપવામાં આવશે.(૧.૩)

(9:57 am IST)