મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

પંજાબ નેશનલ બેંક સાથે એક અબજ ડોલરની છેતરપિંડીના

કૌભાંડી નીરવ મોદી આજે છૂટશે ? લંડન કોર્ટમાં સુનાવણી

લંડન તા. ૨૬ : પંજાબ નેશનલ બેંક સાથે એક અબજ ડોલરની છેતરપિંડી કરવામાં અને મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા તેમ જ યુકેમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલા હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ નિરવ મોદી શુક્રવારે લંડન કોર્ટ સમક્ષ રિમાન્ડ સુનાવણી માટે હાજર રહેશે.

ગત મહિને ધરપકડ થયા બાદ ૪૮ વર્ષીય નૈઋત્ય લંડનમાં આવેલી વંડ્સવર્થ જેલમાં બંધ છે. તેમને જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવશે.

નિરવ મોદી શરણે આવવામાં નિષ્ફળ જશે એવી પશ્ચાદ ભૂમિકા પર ચીફ મેજિસ્ટ્રેટ ઇમ્મા અર્બુથનોટ દ્વારા ૨૯ માર્ચના રોજ નિરવ મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

'આ એક મસમોટો છેતરપિંડીનો કેસ છે. જેમાં ભારતની બેંકને ૧-૨ અબજ યુએસ ડોલરનું નુકસાન થયું છે. મને ખાતરી નથી કે આ કેસમાં માગવામાં આવેલા શરતી જામીન ભારત સરકારની ચિંતાઓને પહોંચી વળશે,' એમ જજે તેમના ચુકાદામાં નોંધ્યું હતું.

આવા કેસમાં જયુડિશિયલ રિમાન્ડની ૨૮ દિવસની સમય મર્યાદા મુજબ આ અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસિકયુશન સર્વિસ (સીપીએસ) દલીલ કરશે. તેમણે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી તેની સામે મોદી યુકેની હાઇ કોર્ટમાં જામીન અરજી કરશે.

અગાઉ સોલિસિટર આનંદ દુબે અને બેરિસ્ટર કલેર મોન્ટેગોમેરી સહિતની કાનૂની ટીમે તેમના કલાયન્ટ માટે એક મિલિયન પાઉન્ડ સિકયોરિટી અને ઘરમાં નજરકેદ જેવા સખત ઇલેકટ્રોનિક ટેગ પ્રતિબંધની ઓફર કરી હતી.

ડાયમંડ ડીલર નિરવના યુકેમાં કમ્યુનિટી ટાઇના અભાવ અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના દૂરસ્થ ટાપુ દેશ-વાનુઆટુનું નાગરિકત્વ મેળવવાનો ૨૦૧૭માં પ્રયાસ- આ બે બાબત નીરવ મોદીની વિરોધમાં ગઇ હતી અને જજે નોંધ્યું હતું કે આવા મહત્ત્વના સમયે નીરવ ભારતની દૂર જઇ રહ્યો છે. સીપીએસ ટીમના વકીલે દલીલ કરી હતી કે પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસનો મહત્ત્વનો આરોપી ભાગી જશે અને સાક્ષી તથા પુરાવાઓ સાથે ચેડાં કરશે, એવું ગંભીર જોખમ રહેલું છે. એના ધંધાને કારણે એની પાસે હીરા, મોતી, સોનું છે.

ગત મહિનાની સુનાવણીમાં સામે આવ્યું હતું કે મોદીએ સાક્ષીઓને જાનથી મારવાની ધમકી આપી હતી અને પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી હતી.

નીરવની વકીલની ટીમ એ કિંગફિશર એરલાઇન્સના વિજય માલ્યાની ટીમ એક જ છે. તેણે નીરવ મોદી સામેના બધા આક્ષેપનું ખંડન કર્યું હતું.

મોદી યુકેમાં ઇન્વેસ્ટર્સ વિઝા પર રહે છે એમ માનવામાં આવે છે. સ્કોટલેન્ડ યાર્ડ ઓફિસર્સ દ્વારા સેન્ટ્રલ લંડનમાં જયારે નીરવ મોદી નવો બેંક એકાઉન્ટ ખોલાવવા ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

(9:52 am IST)