મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

સરકાર ફ્રી અનાજ અને 1000 રૂપિયા આપતી હોવાની અફવા ફેલાતા લોકોના ટોળા ઉમટ્યા

અલીગઢમાં અફવા ઉડતા લોકડાઉનની ઐસી તૈસી કરી 700 લોકોનું ટોળું કોર્પોરેશન પહોંચી ગયું

અલીગઢ :દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં કેટલાક સ્થળે અફવા બજાર પણ ગરમ થઈ ગયું છે. આવી જ એક અફવા અલીગઢમાં ફેલાઈ હતી જેના કારણે લોકોએ લોકડાઉનની પણ ઐસી તૈસી કરી દીધી હતી.

 ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગુરુવારે સવારથી લોકોના ફોન પર એક મેસેજ ફરતો થયો હતો જેમાં લખેલું હતું કે સરકાર દ્વારા ફ્રીમાં કરીયાણું અને રોકડ રકમની મદદ મળી રહી છે. તેનો લાભ લેવા લોકોએ જરૂરી દસ્તાવેજ સાથે મ્યુનિસિપલ ઓફિસ જવાનું છે. બસ પછી શું આ મેસેજ ફરતો થયો કે એક સાથે 700 લોકોનું ટોળું કોર્પોરેશન પહોંચી ગયું હતું

 લોકો લાંબા સમય સુધી ઓફિસની બહાર ઊભા રહ્યા. બાદમાં પોલીસે લોકોને ભારે જહેમત બાદ સમજાવ્યું કે આ મેસેજ માત્ર એક અફવા છે. લોકો આ વાતને પણ માનવા તૈયાર ન હતા. પોલીસ અને અધિકારીઓએ માંડ માંડ લોકોને પોતાના ઘરે મોકલ્યા અને ફરી આવા મેસેજના કારણે ભીડ એકત્ર ન કરવા સમજાવ્યું.

(6:56 pm IST)