મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

લોકડાઉનના કારણે યાત્રિકો ઘટતા ગો એરલાઇન્સ દ્વારા કર્મચારીઓના પગાર કાપવાનો નિર્ણય લેવાયો

નવી દિલ્હી: આખા દેશમાં કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનની અસર હવે કંપનીના આર્થિક વ્યવહારો પર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાયરસને કારણએ લોકોએ બહાર નીકળવાનું સદંતર બંધ કરી દીધું છે. આખા દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે પ્રવાસન ઉદ્યોગ સાવ ભાંગી પડ્યો છે. આ સંજોગોમાં ગો એરલાઇન્સે પોતાના કર્મચારીઓના પગાર કાપવાનો મોટો નિર્ણય લીધો છે.

ખતરનાક કોરોના વાયરસને રોકવાનો સૌથી કારગર રસ્તો ઘરમાં જ રહેવાનો છે પણ એના કારણે બીજી એરલાઇન્સ કંપનીઓની જેમ જ ગો એરલાઇન્સ પણ ભારે ખોટમાં આવી ગઈ છે. લોકડાઉનની જાહેરાત વખતે સરકારે અપીલ કરી હતી કે કંપની લોકડાઉન વખતે ઘરે રહેલા કર્મચારીઓનો પગાર ન કાપે પણ આમ છતાં GoAir દ્વારા પોતાના તમામ કર્મચારીઓનો માર્ચ મહિનાનો પગાર કાપી લેવાનો નિર્ણય કર્યો છે.  કંપનીએ મેઇલ કરીને તેમને આ વાતની જાણકારી પણ આપી છે.

નોંધનીય છે કે અન્ય કંપની એર ઇન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોનો વાયરસને ધ્યાનમાં રાખીને, અમે માર્ચ 2020 થી આગામી ત્રણ મહિના માટે કેબિન ક્રૂ સિવાયના તમામ કર્મચારીઓના ભથ્થામાં 10 ટકાનો ઘટાડો કરીશું. ઈન્ડિગોના સીઈઓ દત્તાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, તેમના સહિતના ઉચ્ચ કર્મચારીઓના પગારમાં પાંચથી 25 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કપરી પરિસ્થિતિમાંથી ઉગરવા માટે 1 એપ્રિલ, 2020થી બેન્ડ એ અને બેન્ડ બીના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવશે. આ સિવાય કંપનીના કોકપીટ ક્રૂના પગારમાં 15 ટકાનો ઘટાડો, બેન્ડ ડી (કેબિન ક્રૂ)માં 10 ટકાનો અને બેન્ડ સીના પગારમાં પાંચ ટકાનો ઘટાડો થશે.

(4:57 pm IST)