મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોનાના કારણે સેલિબ્રિટી શેફ ફ્લોએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યોઃ ન્યુયોર્કથી આ મહિને મુંબઇ આવીને ૨૦૦ જેટલા લોકોને પાર્ણી પણ આપી હોવાથી ચિંતા પ્રસરી

ન્યૂ યોર્ક: દુનિયાની ઘણી બધી હસ્તીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે. આ ખતરનાક વાયરસના ઈન્ફેક્શનથી ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો છે. તેઓ 59 વર્ષના હતા. ન્યૂ યોર્કમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ચિંતાની વાત એ છે કે, ફ્લોએડ આ મહિને જ મુંબઈ આવ્યા હતા અને અહીં તેમણે એક પાર્ટી પણ આપી હતી જેમાં 200 જેટલા લોકોએ હાજરી આપી હતી. આવામાં તે પાર્ટીમાં આવેલા લોકોની ચિંતા પણ વધી શકે છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી 773 લોકોના મોત થયા છે જ્યારે ભારતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં જે રીતે કોરોનાના મામલા સામે આવી રહ્યાં છે તેવામાં વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેના બીજા સપ્તાહ સુધી ભારતમાં 13 લાખ કોરોનાના મામલા આવી શકે છે. ભારતમાં કોરોના મામલાનો અભ્યાસ કરનાર COV-IND-19 સ્ટડી ગ્રુપના રિસર્ચર્સે હાલના આંકડાનો અભ્યાસ કર્યા બાદ જારી રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. શોધકર્તાઓએ રિપોર્ટમાં કહ્યું કે, ભારતે શરૂઆતી સમયમાં કોરોનાના મામલાને નિયંત્રિત કરવામાં ઇટાલી અને અમેરિકા જેવા બીજા દેશોની અપેક્ષામાં સારૂ કામ કર્યું છે પણ અમારું અનુમાન ભારતમાં શરૂઆતી તબક્કાના આંકડાના આધાર પર છે. તેમાં એક ખાસ વાત છે કે દેશમાં પ્રભાવિત મામલાની અસલી સંખ્યા સ્પષ્ટ નથી. શોધકર્તાઓ પ્રમાણે, આવું તે માટે છે કારણ કે ભારતમાં તેને લઈને ટેસ્ટિંગ રેટ ખુબ ઓછા છે.

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મોદી સરકારે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશના 80 કરોડ લોકોને ઓછા ભાવે રાશન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(4:56 pm IST)