મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કાઝીએ કરાવ્યાં પટનાની દુલ્હન અને ગાઝિયાબાદના દુલ્હાના ઓનલાઇન નિકાહ

પટના,તા.૨૬: કોરોના વાઇરસને નાથવા માટે ભારત આખું લોકડાઉન થયેલું છે ત્યારે પહેલેથી જ લોકોના કાર્યક્રમો અને ખાસ તો લગ્ન જેવા પ્રસંગો નિર્ધારિત હતા એવા લોકોના જીવનમાં જબરી અસમંજસ ઊભી થઈ છે. જોકે કેટલાક લોકોએ લોકડાઉનના નિયમો ન તોડીને પણ પોતાના નિર્ધારિત કાર્યક્રમો ચાલુ રાખ્યા હતા. આવો જ એક દાખલો છે ઓનલાઇન વેડિંગનો. ઉત્ત્।ર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં આવેલા એક કાઝીએ સાહિબાબાદના દુલ્હા અને પટનાની દુલ્હનના ઓનલાઇન નિકાહ કરાવ્યાં તેમ જ ઓનલાઇન હાજર રહેલા બન્ને પરિવારોએ નિકાહની તમામ રસમ પણ ઓનલાઇન જ પૂરી કરી.

પટનાના સમનપુરામાં રહેતી સાદિયાનાં નિકાહ ઉત્ત્।ર પ્રદેશના સાહિબાબાદમાં રહેતા દાનિશ રજા સાથે ૨૪ માર્ચે યોજાયાં હતાં. નિકાહની લગભગ બધી તૈયારી થઈ ગઈ હતી.

પટનાના હારુન નગરમાં કમ્યુનિટી હોલ પણ બુક થઈ ગયો હતો. સગાં- સંબંધીઓને નિમંત્રણ પણ પહોંચી ગયું હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર થતાં બન્ને પરિવારોએ મળીને આ માર્ગ કાઢ્યો હતો. પટના અને સાહિબાબાદમાં દુલ્હન અને દુલ્હો લેપટોપ સામે બેઠાં અને કાઝીએ ઓનસ્કીન હાજર રહેલા બે સાક્ષીઓ સામે નિકાહ કરાવ્યાં.

(3:57 pm IST)