મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ટ્રમ્પની ઐતિહાસિક જાહેરાતઃ દરેક યુવાનને ૧ર૦૦ અને બાળકને ૫૦૦ ડોલર અપાશે

વોશિંગ્ટન તા. ર૬: જીવલેણ કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઇ ગયો છે, પણ કેટલાક દેશોની હાલત બહુ ખરાબ છે. બધા દેશોમાં કોરોના પિડીતોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. તેમાં એક અમેરિકા પણ છે.

આ મહામારી રોકવા માટે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ઇતિહાસના સૌથી મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ટ્રમ્પ પ્રશાસને ર લાખ કરોડ ડોલરના ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી છે.

આ આર્થિક પેકેજમાં અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક રકમ નકકી કરી છે. દરેક અમેરિકન યુવાને ૧ર૦૦ ડોલર મળશે, જયારે દરેક બાળકને પ૦૦ ડોલર આપવામાં આવશે. ટ્રમ્પ સરકાર આ આર્થિક મદદ લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરશે.

કોરોના સામે લડવા માટે અમેરિકન વ્હાઇટ હાઉસે આ નિર્ણય કર્યો છે, જેના પર ડેમોક્રેટિક અને રિપબ્લીકન નેતાઓએ સંમતિ આપી છે. અમેરિકાનું કહેવું છે કે આ મદદથી બિઝનેસ, વર્કર્સ અને હેલ્થકેર સિસ્ટમને ટેકો મળશે.

આ ઉપરાંત અમેરિકા સરકારે કહ્યું કે કોરોના વાયરસના કારણે પરેશાન લઘુ ઉદ્યોગો માટે ૩૬૭ અબજ ડોલર ઉપલબ્ધ કરાવાશે જેથી તેમના જે કર્મચારીઓને મજબૂરીમાં ઘરે રહેવું પડે છે તેમને પગાર ચૂકવી શકાય. મોટા ઉદ્યોગોને પણ સસ્તા દરે લોન આપવામાં આવશે જેથી આ મુશ્કેલીના સમયમાં તેઓ પોતાનો ધંધો ચલાવી શકે.

(3:42 pm IST)