મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

શાહિન બાગના પ્રદર્શનકારીઓની સુપ્રિમમાં અરજીઃ પોલિસ એકશન પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી તા. ર૬: દેશમાં કોરોના વાયરસના વધતા જોખમને જોતા પોલિસે દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં ડીસેમ્બરથી ચાલતા સીએએનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને મંગળવારે સવારે બળજબરીપૂર્વક ત્યાંથી હટાવી દીધા હતા. શાહીન બાગના પ્રદર્શનકારીઓએ હવે પોલિસની આ કાર્યવાહીને અયોગ્ય ગણાવીને સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ કોરોના વાયરસના કારણે ઉદ્દભવેલી પરિસ્થિતિની ગંભીરતા સમજે છે અને એટલે તેમણે ધરણા સ્થળે પ્રદર્શનકારીઓની સંખ્યા પણ ઘટાડી નાખી હતી. મંગળવારે ફકત પાંચ મહિલાઓજ પ્રદર્શન સ્થળે બેઠી હતી અને તે આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી અંતરે પણ બેઠી હતી, તેમ છતાં ત્યાં પહોંચીને પોલિસે બળજબરીપૂર્વક પ્રદર્શન સ્થળ ખાલી કરાવ્યું હતું.

તેમનું કહેવું છે કે પાંચથી ઓછી મહિલાઓનું આ પ્રદર્શન ફકત સાંકેતિક હતું તેમ છતાં પોલિસે કાર્યવાહી કરી. સુપ્રિમના આ કેસમાં હસ્તક્ષેપની માંગણી કરતો પત્ર પ્રદર્શન કારીઓએ લખ્યો છે, જેના પર ર૪ માર્ચની તારીખ લખાઇ છે.

(3:42 pm IST)