મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

સોનિયાએ પત્ર લખીને લોકડાઉનના નિર્ણયને સમર્થન કર્યુ

કેન્દ્ર સરકારે ૬ માસ માટે EMI પર રોક લગાવવા મામલે વિચારણા કરવી જોઈએ

નવી દિલ્હી, તા.૨૬:કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન કરવાના વડાપ્રધાન મોદીના નિર્ણયને સમર્થન કર્યું છે. સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવાની અપીલ કરી છે. સોનિયાએ પોતાના પત્રમાં ઉદ્યોગો માટે રાહત પેકેજ અને સામાન્ય લોકો માટે રિલીફની પણ અપીલ કરી છે.

સોનિયાએ વડાપ્રધાન લખેલા પત્રમાં સપ્લાય ચેનને પણ મજબૂત કરવાની માગણી કરી છે. સોનિયા ગાંધીએ પત્રમાં સલાહ આપી છે કે કેન્દ્ર સરકારે પણ ઈએમઆઈ પર ૬ માસ માટે રોક લગાવવા પર વિચારણા કરવી જોઈએ આ સાથે જ બેંકો દ્વારા વ્યાજ માફ કરવાની પણ માગણી કરવામાં આવી છે.

સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ ભારતના લોકોની સાથે આ મુશ્કેલીના સમયમાં સાથે ઉભી છે. અમે સરકારનું સંપૂર્ણ રીતે સમર્થન કરીએ છીએ. ત્યાંજ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ગુરુવારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, દેશની ૧૩૦ કરોડ લોકો પર ૨૧ દિવસ સુધી લોકડાઉન લાગુ કર્યા બાદ ખાસ કરીને ગરીબ લોકોની સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોએ રાહત પેકેજની વ્યવસ્થા કરવી જોઈએ.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ જણાવ્યું છે કે, આ મુશ્કેલીના સમયમાં સરકારે તાત્કાલિક દેશના તમામ જન-ધન એકાઉન્ટ હોલ્ડર્સના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ સાથે જ રોડ પર ભટકી રહેલા લોકો માટે ભોજન-પાણી અને આરોગ્યની વ્યવસ્થા કરવી જોઈએ.

(3:39 pm IST)