મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ન્યૂયોર્કમાં ટ્રકોને મડદા ઘર બનાવવાની તૈયારી, ખડકાઈ શકે છે લાશોનો ઢગ

શું ન્યૂયોર્ક વુહાન બની જશે? અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે ૧૫૦થી વધુ મોત થયા છે

ન્યૂયોર્ક, તા.૨૬: કોરોના વાયરસના કારણે અમેરિકામાં દરેક બાજુ અફરાતફરીનો માહોલ છે. દરરોજ હજારની સંખ્યામાં સંક્રમણના નવા મામલા સામે આવી રહ્યા છે. ન્યૂયોર્ક (New York)માં તો હાલત ખૂબ ખરાબ છે. અહીં શહેરમાં ૩૦ હજારથી વધુ દર્દીઓ છે. દર ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા બેગણી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીં કેટલાક દિવસોમાં હજારો લોકોના મોત થઈ શકે છે. જેથી એવામાં કોરોના વાયરસથી થનારા મોતના કારણે લાશોને અલગ સ્થળે રાખવાની તૈયારી ચાલી રહી છે.

CNN મુજબ, ન્યૂયોર્કની અનેક હોસ્પિટલોમાં ટેન્ટ અને રેફિજરેટર ટ્રકોને મડદા ઘર બનાવવામાં આવી રહ્યા છે. ત્યાંના ચીફ મેડિકલ અધિકારીએ કહ્યું કે, સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. ન્યૂયોર્કમાં પહેલા જ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. આવી જ રીતે કામચલાઉ મડદા ઘર ૯/૧૧ના હુમલા બાદ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, કોરોના વાયરસથી મોત બાદ લાશોને અલગ શબદ્યરોમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના કારણે તેનું સંક્રમણ વધુ ન ફેલાય. ભારતમાં પણ આવા મોત બાદ લાશોનું પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવી રહ્યું. ભારતમાં લાશોને દફનાવવા માટે ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે.

અનેક શહેરોમાં હાલત ખરાબઅમેરિકાના અધિકારીઓ મુજબ, ન્યૂયોર્ક ઉપરાંત નોર્થ કેરોલિનામાં પણ આ પ્રકારના ટેન્ટ અને રેફ્રિજરેટર ટ્રક તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી ૯૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂકયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં આવનારા દિવસોમાં વેન્ટીલેટરની ઘટ થઈ શકે છે. અમેરિકામાં ૨૦ ટકાથી વધુ દર્દી આઈસીયૂમાં દાખલ છે અને તેમાથી ૮૦ ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે છે.

શું ન્યૂયોર્ક વુહાન બની જશે?

બીજી તરફ, સ્વાસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પૂરી દુનિયા માટે કોરોના વાયરસનું નવું કેન્દ્ર બની ગયું છે. ચીનના વુહાન બાદ સૌથી વધુ મોત આ શહેરમાં થઈ શકે છે. ન્યુયોર્કની વસ્તી લગભગ ૮૦ લાખ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે ૧૫૦થી વધુ મોત થયા છે. તાજા આંકડાઓ મુજબ, અત્યાર સુધી અમેરિકામાં ૬૫ હજાર લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકયા છે.

(3:38 pm IST)