મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

દેશમાં કોરોનાના ૬૪૯ કેસ : ૧૬ના મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધુ : ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા

નવી દિલ્હી તા. ૨૬ : દેશમાં લોકડાઉનના બીજા દિવસે જ કોરોનાએ સ્પીડ પકડી છે અને દેશમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૬૪૯ થઈ છે તો ગઈકાલે એક જ દિવસમાં ૧૦૧ નવા પોઝીટીવ કેસ નોંધાતા સરકાર ચોકી ઉઠી છે અને લોકડાઉનનો અમલ વધુ કડકાઈથી કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જયારે દેશમાં જમ્મુ-કાશ્મીર-મુંબઈમાં એક-એક વૃદ્ઘે કોરોનાથી દમ તોડતા મૃત્યુ આંક ૧૬ થયુ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં એક ૮૫ વર્ષીય મહિલાએ કોરોના પોઝીટીવની અંતિમ શ્વાસ લીધા હતા તેની વિદેશ પ્રવાસની હીસ્ટ્રી હતી. મહારાષ્ટ્રમાં એક ૬૫ વર્ષીય કોરોના પોઝીટીવનું મોત થયું છે તો ઈન્દોરમાં પણ ૬૫ વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયુ છે. જો કે તેની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી ન હતી. તામીલનાડુમાં ૫૪ વર્ષના એક પુરૂષનું પણ મદુરાઈની હોસ્પીટલમાં મૃત્યુ થયુ છે જયારે જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના કારણે એક ૬૫ વર્ષના બુઝુર્ગનું મોત થયું હતું. જે શ્રીનગરની હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા અને હવે તેની સાથે સંપર્કમાં આવેલા અન્ય ચાર લોકોને પણ કવોરેન્ટાઈનમાં લેવાયા છે. દેશમાં કુલ ૪૨ લોકો કોરોનાની સારવાર બાદ હોસ્પીટલમાંથી રજા અપાઈ છે.

મધ્યપ્રદેશમાં કોરોનાની સ્થિતિ સતત બગડતી જાય છે. આજે વધુ પાંચ નવા પોઝીટીવ કેસ સામે આવતા રાજયમાં કુલ ૨૦ લોકો કોરોના પોઝીટીવ જાહેર થયુ છે તો ગોવામાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે અને ત્રણ પોઝીટીવ કેસ જાહેર થયા છે. આ ત્રણેય વિદેશ પ્રવાસની હીસ્ટ્રી ધરાવતા હતા. ગોવામાં મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતે લોકોને લોકડાઉનનો ભંગ નહી કરવાની ચેતવણી આપતા જેલમાં પુરવાની ચેતવણી આપી છે અને જેલમાં ૧૪ દિવસનો કવોરન્ટાઈનનો અમલ કરાશે.

હવે ઉતરપુર્વના રાજયોમાં પણ કોરોના પહોચી ગયો છે અને મણીપુર અને મીઝોરામમાં ૧-૧ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૧૫ નવા કેસ નોંધાતા હવે કોરોના પોઝીટીવની સંખ્યા ૧૨૨ થઈ છે અને તેણે કેરાળાને ૧૧૮ કેસ સાથે પાછળ રાખી દીધુ છે. જયારે કર્ણાટકમાં ૫૧, તેલંગાણામાં ૪૧, યુપી, રાજસ્થાનમાં  ૩૮ અને ગુજરાતમાં ૪૩ કેસ નોંધાયા છે.

(3:31 pm IST)