મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

૧.૭૦ લાખ કરોડનું પેકેજ જાહેર

ડોકટર, નર્સ, ખેડૂત, મજુર, મહિલા, ગરીબોને રાહત

૮૦ કરોડ પરિવારને ૩ મહિના સુધી ૧ કિલો દાળ સહિત ૫ કિલો રેશન મફતઃ મનરેગા હેઠળ દૈનિક મજુરી ૧૮૨ રૂ.થી વધારી રૂ. ૨૦૨ કરવામાં આવીઃ ઉજ્જલા હેઠળ ૮ કરોડ મહિલાઓને ૩ મહિનાઓ સુધી વિનામૂલ્યે ગેસ સિલીન્ડરઃ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં બે - બે હજાર રૂ. જમા થશેઃ ૮.૭૦ કરોડ ખેડૂતોને લાભ : ૨૦ કરોડ જનધન ખાતેદાર મહિલાઓને ૩ મહિના સુધી દર મહિને ૫૦૦ રૂ. મળશેઃ કુલ ૧૫૦૦ રૂ. ચુકવશેઃ વડીલો, દિવ્યાંગો અને વિધવાઓને ૩ મહિના સુધી રૂ. ૧૦૦૦ મળશેઃ રકમ બે હપ્તે મળશેઃ ૩ કરોડ લોકોને ફાયદોઃ દિનદયાળ યોજના હેઠળ મહિલાઓને ૨૦ લાખ સુધીની લોનઃ સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને પણ મળશે લાભઃ કોરોના સામે લડતા ડોકટરો વગેરેને ૫૦ લાખનો જીવન વિમો

નવી દિલ્હી, તા. ૨૬ :. કોરોના વાયરસને કારણે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન છે. જેને કારણે અર્થતંત્રને મોટુ નુકશાન થવાની આશંકા થઈ રહી છે. આ દરમિયાનમાં નાણામંત્રી નિર્મલા સીતારામને રાહત પેકેજ જાહેર કર્યુ છે. કુલ ૧.૭૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. જેનો ફાયદો ગરીબ વર્ગ, મજદુર વર્ગ, મહિલા વર્ગ ઉપરાંત દિવ્યાંગ, વિધવા અને બુઝુર્ગ વર્ગને મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યુ હતુ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ, દૈનિક વેતન મેળવતા શ્રમિકોને રાહત મળશે. આ સિવાય ડીબીટી હેઠળ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય જે જાહેરાત કરવામાં આવી છે તેમા ૩ મહિના સુધી એમ્પ્લોઈ અને એમ્પ્લોયર બન્નેના હિસ્સાનું લોકદાન કરવામાં આવશે. આ યોજના ત્યાં લાગુ થશે જ્યાં ૧૦૦થી ઓછા કર્મચારીઓ હોય અને ૯૦ ટકા ૧૫૦૦૦થી ઓછુ વેતન મેળવતા કર્મચારીઓ હોય. આનાથી ૮૦ લાખ મજુરોને અને ૪ લાખ સંગઠીત એકમોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યુ હતુ કે, કોરોનાની લડાઈમાં સાથ આપી રહ્યા છે તેમના માટે ૫૦ લાખનો વિમો સરકાર આપશે. આમા આશા વર્કર અને ડોકટર આશાવર્કર, નર્સ અને અન્ય મેડીકલ સ્ટાફ સામેલ છે. આનો ૨૦ લાખ મેડીકલ કર્મચારીને લાભ થશે.

આ સિવાય વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાને મુખ્ય સ્વરૂપથી બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. પ્રથમ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૮૦ કરોડ ગરીબોને કવર કરવામાં આવશે અને આવતા ૩ મહિના સુધી ૫ કિલો ચોખા / ઘઉં મફતમા આપવામાં આવશે. આ સિવાય ૧ કિલો દાળ દરેક પરિવારને વિનામૂલ્યે અપાશે.

ખેડૂત, મનરેગા, ગરીબ, વિધવા, પેન્શનર્સ, દિવ્યાંગ, જનધન યોજના, ઉજ્જવલા સ્કીમ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, ઓર્ગેનાઈઝડ, સેકટર વર્કર, કન્સ્ટ્રકશન વગેરેને લાભ આપવામાં આવશે. તેઓને ડીબીટીનો લાભ મળશે. વડીલ, દિવ્યાંગ અને વિધવાને એક સાથે ૧૦૦૦ રૂ. બે હપ્તામાં આપવામાં આવશે. જે આવતા ત્રણ મહિનામાં અપાશે.

૮.૭ કરોડ ખેડૂતોના ખાતામા એપ્રિલના પહેલા હપ્તામાં ૨૦૦૦ રૂ.નો હપ્તો જમા થશે. દેશમાં મનરેગા હેઠળ ૫ કરોડ પરિવારોને લાભ મળે છે. મનરેગાની મજુરી હવે ૧૮૨થી વધારી ૨૦૨ રૂ. કરવામાં આવી છે. જનધનવાળી લગભગ ૨૦ કરોડ મહિલાઓના ખાતામાં આવતા ૩ મહિના સુધી ડીબીટી થકી દર મહિને ૫૦૦ રૂ. ટ્રાન્સફર થશે.

૮.૩ બીપીએલ કરોડ પરિવારોને ઉજજવલા સ્કીમ હેઠળ ૩ મહિના સુધી વિનામૂલ્યે એલપીજીના બાટલા અપાશે.

વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે ૨૦ લાખ સુધીની લોનનુ એલાન કરવામાં આવ્યુ છે. જેનો લાભ ૭ કરોડ પરિવારોને થશે. અત્યાર સુધી દિન દયાળ ઉપાધ્યાય આ જીવીકા મિશન હેઠળ ૧૦ લાખની લોન મળતી હતી.

૮૦ કરોડ ગરીબોને એક કિલો દાળ પણ આપવામાં આવશે. જે પ્રતિ વ્યકિતના હિસાબે આપવામાં આવશે.

પીએફમાં જમા રકમના ૭૫ ટકા હિસ્સાના બરાબર કે પછી ૩ મહિનાના પગારની રકમ કાઢી શકાશે. આ રકમ નોનરીફેન્ડેબલ હશે જેનો લાભ ૪ કરોડ કર્મચારીને મળશે.

૮૦ કરોડ લાભાર્થીને આવતા ત્રણ મહિના સુધી ૫ કિલો ઘઉં કે ચોખા વિનામૂલ્યે મળશે. જે પીડીએસ હેઠળ મળશે. એટલા જ પરિવારોને ૧ કિલો દાળ પણ મફત મળશે.

(3:29 pm IST)