મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

લોકડાઉન વગર દક્ષિણ કોરિયાએ મેળવ્યો કોરોના પર કાબુ : ભારતે અપનાવવા જેવું

ચીન પછી દક્ષિણ કોરિયામાં વાયરસનો સૌથી વધુ આતંક હતો : પરંતુ તેનો વ્યાપ એકાએક બહુ ઘટી ગયો: ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 9037 છે અને 129 લોકોના મૃત્યુ થયા: જોકે 3500 લોકો સાજા થઇ ગયા

સિયોલ : કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે દક્ષિણ કોરિયાએ બહુ ઝડપથી આ વાયરસ પર કાબૂ મેળવી લીધો છે. અહીં વાયરસ પર કાબૂ મેળવવા માટે થર્મલ ઇમેજિંગની સાથે લોકોને તેમના કામ જમણાને બદલે ડાબા હાથથી કરવાની ટ્રેઇનિંગ અપાઈ છે  દક્ષિણ કોરિયામાં સેનાની મદદથી રસ્તાઓે સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને ધર્મગુરુઓને પણ તેમના અનુયાયીઓના શરીરના તાપમાન પર નજર રાખવામાં કહેવામાં આવી રહ્યું છે.

 ચીન પછી દક્ષિણ કોરિયામાં આ વાયરસનો સૌથી વધારે આતંક હતો પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં તેનો વ્યાપ એકાએક બહુ ઘટી ગયો છે. અહીં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 9037 છે અને 129 લોકોના મૃત્યુ થયા છે. જોકે હકારાત્મક વાત તો એ છે કે 3500 લોકો ઠીક પણ થઈ ગયા છે. અહીં 8થી 9 માર્ચ વચ્ચે ચેપગ્રસ્તોની સંખ્યા 8 હજાર સુધી પહોંચી ગઈ હતી પણ છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર 12 જેટલા નવા મામલા સામે આવ્યા છે.

 કોરોના વાયરસ સામેની સાઉથ કોરિયાની લડાઈ આખી દુનિયામાં રોલ મોડેલ તરીકે જોવામાં આવી રહી છે. અહીં એક દિવસ માટે પણ માર્કેટ લોકડાઉન નથી કરવામાં આવ્યું અને લોકોની હેરફેર પર પણ કોઈ જાતનો પ્રતિબંધ નથી મુકાયો. દક્ષિણ કોરિયાએ કોરોના વાયરસનો ટેસ્ટ કરવાની કિટનું પ્રોડક્શન બહુ ઝડપથી વધારવા પર ભાર મુક્યો છે. અહીં દર 10 મિનિટમાં શરીર અને ગળાની તપાસ કરવામાં આવે છે અને હજારો સ્ક્રિનિંગ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની આ નીતિના હકારાત્મક પરિણામ પણ જોવા મળ્યા છે. આજે દક્ષિણ કોરિયામાં રોજ એક લાખ ટેસ્ટિંગ કિટ બને છે અને વિદેશોમાં એની નિકાસ પણ કરવામાં આવી રહી છે

(10:29 am IST)