મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ઉડન ખટોલા-મેરે મહેબુબ, આન, ભાઇ-ભાઇ, બરસાત ફિલ્મોમાં કામ કર્યુ હતુ

વિતેલા જમાનાની સુપ્રસિધ્ધ અભિનેત્રી નિમ્મીનું અવસાનઃ રાજકપુરે આપ્યો'તો બ્રેક

મુંબઇ, તા.૨૬: વીતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી નિમ્મીનું મુંબઇમાં નિધન થઇ ગયું છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા. તેમની ઉંમર ૮૮ વર્ષની હતી. મુંબઇના સરલા નર્સિંગ હોમમાં સાંજ ૬ ગ્યાની આસપાસ તેમણે છેલ્લાં શ્વાસ લીધા હતા. નિમ્મીએ ૧૬ વર્ષ ફિલ્મોમાં કામ કર્યું. ૧૯૪૯ના વર્ષથી લઇને ૧૯૬૫ સુધી તેઓ ફિલ્મોમાં સક્રિય રહ્યા. તેમને પોતાના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી મનાતા હતા. તેમનું અસલી નામ 'નવાબ બાનો' હતુ. નિમ્મીએ એસ.અલીરજા સાથે લગ્ન કર્યા હતા. તેમનું દેહાંત ૨૦૦૭ની સાલમાં થયું હતું.

નિમ્મીને રાજકપૂરની પહેલી શોધ પણ કહેવાય છે. રિપોર્ટ્સના મતે તેમણેજ નવાબ બાનોનું નામ બદલીને નિમ્મી રાખ્યું હતું. રાજકપૂરે તેમણે પોતાની ફિલ્મ બરસાતમાં બ્રેક આપ્યો હતો. આ ફિલ્મ હિટ ગયા બાદ નિમ્મીએ કેટલીય ફિલ્મોમાં કામ કર્યું. તેઓએ આન, ઉડન ખટોલા, ભાઇ ભાઇ, કુંદન, મેરે મહેબૂબ જેવી તમામ ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચૂકયા છે.

રિપોર્ટસના મતે નિમ્મીની કેરિયરની શરૂઆતના દિવસોમાં ઘણી ડિમાન્ડ હતી. કહેવાય છે કે દિલીપ કુમારથી લઇ રાજ કપૂર, અશોક કુમાર, ધર્મેન્દ્ર જેવા દિગ્ગજ કેટલાંય સ્ટાર તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક હતા. નિમ્મીના નિધનને લઇ પ્રખ્યાત ફિલ્મ ડાયરેકટર મહેશ ભટ્ટે પણ ટ્વીટ કરી તેમને શ્રદ્ઘાંજલિ પાઠવ્યા છે.

(3:08 pm IST)