મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

જુલાઇ સુધી લોકડાઉન

ઇટાલીમાં ઘરમાંથી બહાર નીકળે તો અઢી લાખ રૂપિયા દંડ

આટલા મોત થવા છતાં લોકો હજુ પણ બહાર રખડે છે

રોમ, તા. ર૬ : ઇટલીમાં કોરોના વાયરસથી રોજ સેંકડો લોકોના થઇ રહેલા મોતથી સરકારના હોંશ ઉડી ગયા છે. તેમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે, ચીન પછી ઇટલી જ એવો દેશ છે જયાં રોજ સૌથી વધારે મોત થઇ રહ્યા છે. મંગળવારે એક જ દિવસમાં અહીં ૭ર૩ મોત થયા હતા. બીબીસીના રિપોર્ટ અનુસાર આની જાણ થયા પછી વડાપ્રધાન જીજેજપી કોંટેએ તેને બહુ જ ગંભીરતાથી લીધી છે. આ દરમ્યાન એવા સમાચારો પણ આવી રહ્યા હતાં કે મોટી સંખ્યામાં લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા અને કોઇ પણ કારણ વગર તેઓ પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યા છે. આના લીધે કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

મંગળવારે મોડી રાત્રે દેશના નામે અપાયેલા સંદેશમાં વડાપ્રધાન કોંટેએ જાહેરાત કરી છે કે બુધવારથી જો કોઇ વ્યકિત યોગ્ય કારણ વગર ઘરની બહાર નિકળશે તો તેને ૩૦૦૦ યુરો એટલે કે લગભગ ર લાખ ૪૯ હજાર રૂપિયાનો દંડ થશે. અત્યાર સુધી આ દંડ ર૦૬ યુરો એટલે કે ૧૭૦૯૮ રૂપિયા હતો. તેમણે એ વાતનું ખંડન કર્યું હતું કે તેમણે બિનજરૂરી કામથી નીકળલા વાહનોને ડીટેઇન કરવાનો આદેશ આપ્યો હતો.

કોંટેએ ઇટલીવાસીઓને આશ્વાસન આપ્યું છે કે ઇટલીમાં લગાવવામાં આવેલ વર્તમાન કટોકટીની મુદત જે ૩૧ જુલાઇએ પૂરી થવાની છે, તે પહેલા જ લોકો સ્વમાન્ય જીવન જીવતા થઇ જશે. સરકાર કોરોના વાયરસની ચેન તોડવાના પ્રયત્નો કરી રહી છે અને તેના માટે અન્ય દેશોની મદદ માંગવામાં આવી છે. એવા પ્રયત્નો કરાઇ રહ્યા છે કે જલ્દી તેના પર રોક લગાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે ૬ મહિના સુધી કટોકટી ચાલુ રહેવાનો અર્થ એ નથી કે ત્યાં સુધી લોકો પર પ્રતિબંધ ચાલુ રહેશે. જેમ જેમ પરિસ્થિતિ સુધરતી જશે, તેમ તેમ પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનું શરૂ થઇ જશે.

(10:16 am IST)