મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

રિલાયન્સ જીયોમાં 10 ટકા હિસ્સેદારી ખરીદી શકે છે ફેસબુક

બંને જૂથ વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થઇ શકે છે.

મુંબઈ : સોશિયલ મીડિયાની ટોચની કંપની ફેસબુક ભારતના ટોચના જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોમાં ૧૦ ટકા હિસ્સેદારી ખરીદી શકે છે. એક આંતરરાષ્ટ્રીય આર્થિક અખબારના જણાવ્યા અનુસાર બંને જૂથ વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થઇ શકે છે.

 લંડનના અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર માર્ક ઝુકરબર્ગના નેતૃત્ત્વવાળી કંપની ફેસબુક ટૂંક સમયમાં મુકેશ અંબાણીના નેતૃત્ત્વવાળી જિયો કંપનીમાં ૧૦ ટકા હિસ્સેદારી કરવાની સમજૂતી કરી શકે છે.

 આ સોદો અબજો ડોલરમાં થઇ શકે છે. રિલાયન્સ જીયો પાસે ભારતમાં ૩૭ કરોડ ગ્રાહકો છે. આ કંપનીનું વેલ્યુએશન ૬૦ અબજ ડોલર આંકવામાં આવ્યું છે. એટલે કે ૧૦ ટકા હિસ્સેદારીનો સોદો લગભગ ૬ અબજ ડોલરમાં થશે તેવી શક્યતા છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ અને ફેસબુકની વચ્ચે આ સંદર્ભમાં વાતચીત ખૂબ જ આગળ વધી ગઇ છે. જો કે કોરોના વાઇરસના પ્રકોપને પગલે આ સોદો થવામાં વિલંબ થયો છે. રિલાયન્સ જીઓ કંપનીની શરૃઆત સપ્ટેમ્બર, ૨૦૧૬માં થઇ હતી. કંપની પોતાના દેવાને ઘટાડી શૂન્ય કરવાના પ્રયત્નો કરી રહી છે અને આ માટે જ તેે હિસ્સેદારી વેચવાના પ્રયત્નો કરી રહી છે.

(10:13 am IST)