મુખ્ય સમાચાર
News of Tuesday, 26th March 2019

માલ્યાની ભારતીય બેંકોને અપીલ, 'મારા પૈસા લઈને જેટ એરવેઝને બચાવી લો'

નવી દિલ્હી તા. ૨૬ : જેટના પાયલટ્સ પહેલા જ અલ્ટિમેટમ આપી ચુકયા છે કે જો ૩૧મી માર્ચ સુધી તેમની બાકી રકમ નહીં ચુકવવામાં આવે તો એકપણ ફલાઇટ નહીં ઉડે. ભારતની સરકારી બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને લંડન ફરાર થઈ ગયેલા બિઝનેસમેન વિજય માલ્યાએ ભારતીય બેંકોને અપીલ કરી છે કે બેંકો તેના પૈસા લઈને નાણાની કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝને ઉગારી લે. માલ્યાએ એક પછી એક ટ્વિટ્સ કરીને લખ્યું કે, 'આ જાણીને આનંદ થયો કે પીએસયૂ બેંકોએ જેટ એરવેઝને નોકરી, કનેકિટવિટી અને બિઝનેસને બચાવવા માટે જામીન આપ્યા છે. કાશ આવું કિંગફિશર માટે પણ કરવામાં આવ્યું હોત.'

 

ઉલ્લેખનીય છે કે હાલ જેટ એરવેઝ પર ૨૮ બેંકોનું કરજ છે. આ બેંકોમાં અમુક ખાનગી અને વિદેશી બેંકો પણ સામેલ છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં કેનરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, અલાહાબાદ બેંક સામેલ છે. આ યાદીમાં એસબીઆઈ અને પીએનબીનું નામ પણ જોડાયેલું છે. એરલાઇન્સ પર આશરે આઠ હજાર કરોડનું કરજ છે. જેટના પાયલટ્સ પહેલા જ અલ્ટિમેટમ આપી ચુકયા છે કે જો ૩૧મી માર્ચ સુધી તેમની બાકી રકમ નહીં ચુકવવામાં આવે તો એકપણ ફલાઇટ નહીં ઉડે.

સાથે માલ્યાએ લખ્યું કે, 'ભાજપના પ્રવકતાએ પીએમ મનમોહન સિંઘને મારા પત્રો વાંચીને સંભળાવ્યા અને આરોપ લગાવ્યો કે યૂપીએ સરકારના કહેવાથી પીએસયૂ બેંકોએ કિંગફિશર એરલાઇન્સને ખોટી રીતે સમર્થન કર્યું. મીડિયાએ મને વર્તમાન વડાપ્રધાન વિશે લખવા માટે ઉશ્કેર્યો હતો. હું પરેશાન છું કે એનડીએ સરકાર હેઠળ હવે કેવા પરિવર્તન આવી ગયા છે.'

'હું ફરી એકવાર કહેવા માંગું છું કે મેં પીએસયૂ બેંકો તેમજ અન્ય તમામ લેણદારોને ચૂકવણી કરવા માટે મેં કર્ણાટક હાઇકોર્ટ સામે મારી લિકિવડ સંપત્તિ મૂકી છે. બેંક મારી પાસેથી શા માટે પૈસા નથી લેતી. જો કોઈ બીજો રસ્તો ન હોય તો આનાથી જેટ એરવેઝને બચાવી શકાશે.'

(12:46 pm IST)