મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

યુપીમાં વર-વધુએ હેલિકોપ્ટરમાં આખા ગામનું ચક્કર લગાવ્યું

પુત્રનું સ્વપ્ન પુરૃં કરતા માતા-પિતા : બુલંદશહેરના એક ગામમાં લગ્નને લઈને ચર્ચા, વરરાજા અને કન્યાના ઘરની વચ્ચે માત્ર ૩૦૦ મીટરનું અંતર છે

બુલંદશહર, તા. ૨૬ : કોતવાલીના ભાઈપુર ગામમાં રહેતા વર અને કન્યાએ લગ્ન બાદ હેલિકોપ્ટરમાં બેસીને આખા ગામના ચક્કર લગાવ્યા હતા. હાલ લગ્ન ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જણાવી દઈએ કે, વર અને વધૂ બંને એક જ ગામના રહેવાસી છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે, બંનેના ઘરનું અંતર ફક્ત ૩૦૦ મીટર છે. મળતી માહિતી મુજબ વરરાજા શાકિર ભાઇપુર ગામનો વતની છે અને દુબઈમાં નોકરી કરે છે.

મળતી માહિતી પ્રમાણે વરરાજા શાકિર અને દુલ્હન ઇમરાના નિકાહ કરીને એકબીજાના થઈ ગયા છે. બંને એક જ ગામના રહેવાસી છે. શાકિર અને ઈમરાનાના લગ્ન યાદગાર બનાવવા માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર-વધૂએ હેલિકોપ્ટરમાં બેસીને ગામના ચક્કર પણ લગાવ્યા. આ અંગે ઇમરાને કહ્યું કે, તેનું સ્વપ્ન હતું કે તેની પત્નીને હેલિકોપ્ટરમાં બેસાડીને વિદાય થાય, અને આ સ્વપ્ન તેના માતાપિતાએ પૂરું કર્યું છે, જેનાથી તે ખૂબ જ ખુશ છે.

હેલિકોપ્ટર ગામમાં પહોંચતાંની સાથે જ બધા ચોંકી ગયા. લગ્ન કર્યા બાદ બંનેએ હેલિકોપ્ટરમાં બેસીને ચક્કર લગાવ્યા હતા. ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. વરરાજા અને કન્યાને શુભેચ્છાઓ આપવા માટે સંબંધીઓ અને ગામના લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વરરાજાના પિતા નાસિરભાઈએ કહ્યું હતું કે, આ ખુશીની પળ છે અને આ સંબંધ બધાને સ્વીકાર્ય છે.

ડિસેમ્બર ૨૦૨૦માં પણ આવો જ એક નજારો જોવા મળ્યો હતો, જ્યારે ઉત્તરપ્રદેશના આગ્રાના લગ્ન પછી હેલિકોપ્ટરમાં આવેલા વર-વધૂને જોવા માટે આખું ગામ એકઠું થયું હતું. ઉત્તરપ્રદેશના આગ્રાના એત્માદ્દૌલા વિસ્તારમાં બિહારીના નગલામાં ઉતરેલા એક હેલિકોપ્ટરને જોવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા. ગામના લોકોને જાણવા મળ્યું હતું કે, લગ્ન પછી કન્યાને હેલિકોપ્ટર દ્વારા વિદા કરવામાં આવી હતી. તે જોવા માટે સેંકડોની સંખ્યામાં ગામના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. હેલિકોપ્ટર માટે ગામમાં હેલીપેડ પણ બનાવવામાં આવ્યું હતું.

(7:45 pm IST)