મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

ખેડૂતોના રોષથી ભાજપની વોટ બેંકમાં મોટું ગાબડું પડી શકે છે

લાંબા સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન : નવા કાયદા કઈ રીતે લાભદાયી છે એ ખેડૂતોને જણાવવા સાંસદોને ગૃહમંત્રી અમિત શાહે સુચના આપી હતી

નવી દિલ્હી, તા. ૨૬ : છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી છે.

સૂત્રોનુ કહેવુ છે કે, કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને ખેડૂત આંદોલન પરનો રિપોર્ટ આપતા કહ્યુ હતુ કે, તેનાથી ભાજપને નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં જે પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણા, પશ્ચિમ યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચાલીસ જેટલા જાટ બહુમતીવાળા વિસ્તારોના નેતાઓ સાથે બેઠક યોજી હતી.જેમાં નક્કી કરાયુ હતુ કે, લોકો વચ્ચે જઈને સાંસદો જણાવશે કે, નવા કાયદા કઈ રીતે ખેડૂતો માટે ફાયદાકારક છે અને સાથે સાથે લોકોને જાણકારી અપાશે કે મોદી સરકારને બદનામ કરવા માટે આ આંદોલનને રાજકીય પાર્ટીઓ ચલાવી રહી છે.

જોકે ભાજપને જે ફીડબેક મળ્યા છે તે સારા નથી.પશ્ચિમ યુપીની વાત કરવામાં આવે તો ખેડૂત આંદોલન લાંબુ ચાલ્યુ તો ૨૦૨૨માં થનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જાટ વોટ બેક્નમાં તેના કારણે ગાબડુ પડી શકે છે. લોકોનુ માનવુ છે કે, સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ અને તેમની સમસ્યાનુ સમાધાન કરવુ જોઈએ.હરિયાણામાં જાટોની  નારાજગી પાછળનુ મુખ્ય કારણ રાજ્ય સરકાર છે.તેમાં કૃષિ આંદોલને નારાજગી વધારી છે.પશ્ચિમ યુપીમાં જાટ સમુદાય એટલા માટે પણ નારાજ છે કે, શેરડી પર મળતી સબસિડી વધારવામાં આવી નથી અને ખેડૂતોને બાકી રકમ પણ ચુકવવામાં આવી નથી.

આંદોલન લાંબુ ચાલ્યુ તો જાટ અને મુસ્લિમ વોટ બેક્ન ભેગી થઈને ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.માત્ર પશ્ચિમ યુપી જ નહી પણ બીજા વિસ્તારોમાં જ્યાં જાટ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે ત્યાં તેઓ બીજા જાતિઓને પણ પ્રભાવિત કરી શકે છે.બીજી તરફ પેટ્રોલ ડિઝલના વધતા ભાવોથી પણ લોકોમાં નારાજગી વધી શકે છે.

(7:41 pm IST)