મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

કેવી જેલમાં રહેશે કૌભાંડી નિરવ મોદી? મુંબઈમાં 'મહેમાનગતિ'ની ખાસ તૈયારીઓ પૂર્ણ

બેંકોને અબજો રૂપિયાનો ચૂનો લગાવી છૂમંતર થઈ ગયેલા નિરવ મોદીને ભારત લાવવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે : UKની સરકાર પરમિશન આપે તે સાથે જ નિરવ મોદીને ભારત લઈ અવાશે : મુંબઈની આર્થર રોડ જેલમાં નિરવ મોદીને રાખવાની તૈયારી થઈ ચૂકી છે : જે સેલમાં અજમલ કસાબને રખાયો હતો ત્યાંં જ નિરવ મોદીને પણ રખાશે

મુંબઈ, તા.૨૬: પંજાબ નેશનલ બેંકને અબજો રુપિયાનો ચૂનો લગાવીને રફુચક્કર થઈ ગયેલા નિરવ મોદીને હવે ભારત લાવવાનો રસ્તો લગભગ સાફ થઈ ચૂકયો છે. યુકેની કોર્ટે નિ.મો.ને ભારતભેગો કરવાની આખરી મંજૂરી માટે કેસને યુકે સરકારને મોકલી દીધો છે. બીજી તરફ, આ VIP કેદીને રાખવા માટે મુંબઈની આર્થર રોડ જેલમાં ખાસ તૈયારીઓ પણ થઈ ગઈ છે.

સૂત્રોનું માનીએ તો, નિરવ મોદીને બે માળની બેરેક નંબર ૧૨ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ત્રણમાંથી એક સેલમાં રાખવામાં આવી શકે છે. અજમલ કસાબને ફાંસીએ લટકાવવામાં આવ્યો ત્યાં સુધી તેને આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. નિરવ મોદી અને તેની જેમ જ બેંકોને નવડાવીને બ્રિટન ભાગી જનારા વિજય માલ્યાને ભારત લાવવા માટે આ સેલમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રણ સેલમાંથી એક સેલ હાલ સ્ટોર રુમ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જયારે બેને નિ.મો. અને વિજય માલ્યા માટે ખાલી રખાયા છે.

આર્થર રોડ જેલમાં ૨૫૦૦ જેટલા કેદીઓ રાખવામાં આવ્યા છે. જોકે, તેનાથી આ સેલ અલગ છે. તેમાં હાઈ સિકયોરિટીને સુનિશ્યિત કરતી તમામ વ્યવસ્થા છે, જેમાં સીસીટીવી કેમેરા તેમજ હથિયારધારી ગાર્ડ્સનો સમાવેશ થાય છે. જેલની ડિસ્પેન્સરીથી તે ૧૦૦ મીટર દૂર છે. જો કોર્ટે ટિફિન માટે મંજૂરી ના આપી તો નિરવ મોદીને કેદીઓ દ્વારા જ બનાવાયેલું જમવાનું આપવામાં આવશે.

નિરવ મોદી અને અન્યો વિરુદ્ઘ સીબીઆઈએ ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કેસ કર્યો હતો, જેમાં તે વખતના પંજાબ નેશનલ બેંકના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેમના પર ગુનાઈત કાવતરું રચવા ઉપરાંત બેંક સાથે બનાવટી દસ્તાવેજો દ્વારા અબજો રુપિયાની ઠગાઈ કરવાનો પણ આરોપ છે. બેંક સાથે લાંબા સમય સુધી છેતરપિંડી કરતો રહેલો નિરવ મોદી બ્રિટન ભઙ્ગાગી ગયો છે તેનો ખુલાસો પણ આ કાંડ બહાર આવ્યો તેના ખાસ્સા સમય બાદ થયો હતો.

આખી દુનિયામાં જવેલરી શોરુમ્સ ધરાવતા નિરવ મોદીનું એક સમયે મોટું નામ હતું. જોકે, તેના કૌભાંડો બહાર આવવા લાગ્યા ત્યારબાદ તેના પર નકલી ડાયમંડ જવેલરી વેચવાનો પણ આરોપ લાગ્યો હતો. ઈડી દ્વારા મુંબઈમાં આવેલા તેના મોંદ્યાદાટ ફ્લેટ્સ, લકઝુરિયસ ગાડીઓ પણ જપ્ત કરાયા હતા, તેમજ તેના અલીબાગ સ્થિત ફાર્મહાઉસ પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નિરવ સાથે તેનો મામો મેહુલ ચોકસી પણ આ કૌભાંડમાં સામેલ છે. જોકે, તેને ભારત લાવવાના મામલે હજુ સુધી કોઈ પ્રગતિ થઈ શકી નથી.

(4:01 pm IST)