મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

અયોધ્યાની અનોખી સીતારામ બેંકઃ રૂપીયાના બદલે રામ નામ લખેલી બુક જમા કરાવાય છે

૧૯૭૦માં મહંત નૃત્ય ગોપાલદાસજીએ સ્થાપના કરેલઃ બેંકની દેશ-વિદેશમાં ૧૨૪ શાખા : કુલ સ્થાયી સભ્યો ૩૦ હજાર, જયારે અસ્થાયી સભ્યો ૧ લાખથી વધુઃ અત્યાર સુધીમાં ૧૫ હજાર કરોડ સીતારામ નામ જમા થયા

અયોધ્યાઃ અયોધ્યાનું નામ સાંભળીને આ સમયે ફકત મંદિર નિર્માણ જ યાદ આવે પણ અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર એક અનોખી બેંક છે જે ખુબ જ ચર્ચીત છે. જયાં રૂપીયા જમા નથી કરાતા પણ બેંકની પૂંજી સતત વધી રહી છે. અહીં ફકત રામ નામ લખેલી બુક જમા કરાય છે.ગ્રંથોમાં એ વર્ણીત છે કે ૮૪ લાખ રામ નામ લખવાથી ચોર્યાસી લાખ યોનીઓથી માનવને મુકતી મળી જાય છે. તો ભકતોની કોશીષ છે કે ૮૪ લાખ રામ નામ લખી મોક્ષ પ્રાપ્ત કરીએ આ બેંકનું નામ પણ સીતારામ બેંક છે. નવાઇની વાત એ છે કે આ બેંકની શાખાઓ દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. કુલ ૧૨૪ શાખા ધરાવતી બેંકમાં તમે કોઇ પણ ભાષામાં રામ નામ લખી જમા કરાવી શકો છો.૧૯૭૦ના રોજ અયોધ્યામાં શ્રી સીતારામ આંતરરાષ્ટ્રીય બેંકની સ્થાપના રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃતય ગોપાલદાસજીએ કરેલ. પુનીતરામદાસ બેંકના અધ્યક્ષ છે. ૫ દાયકામાં બેંકમાં ૧૫ હજાર કરોડ સીતારામ નામ જમા થયેલ છે. બેંકમાં ૩૦ હજાર સ્થાયી અને ૧ લાખથી વધુ અસ્થાયી સભ્યો છે. ૫ લાખ રામ નામ લખવા ઉપર સ્થાયી સભ્ય બની શકાય છે.

(3:14 pm IST)