મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ભાજપ સરકારની સરખામણી હિટલર સાથે કરી હતી : ભારતના ન્યાયતંત્ર સાથે ચેડાં કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો : પૂર્વ જસ્ટિસના આક્ષેપને યુ.કે.કોર્ટએ આશ્ચર્યજનક અને અમાન્ય ગણ્યો : નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગે આપેલા આદેશમાં ભારતનું ન્યાયતંત્ર નિષ્પક્ષ હોવાનું મંતવ્ય આપ્યું

લંડન : યુ.કે.કોર્ટએ નીરવ  મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપતો ચુકાદો આપ્યો છે.જેમાં નામદાર કોર્ટએ ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ  માર્કંડેય કાત્જુના  ભારત સરકાર ઉપર કરેલા આક્ષેપને યાદ કર્યો હતો. જે મુજબ કાત્જુએ  ભાજપ સરકારની સરખામણી હિટલર સાથે કરી હતી તથા ભારતના ન્યાયતંત્ર સાથે ચેડાં કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો . જેના અનુસંધાને ઉપરોક્ત  આક્ષેપને  યુ.કે.કોર્ટએ આશ્ચર્યજનક અને અમાન્ય ગણ્યો હતો.તથા ભારતના સોલિસિટર જનરલ તુષાર મેહતા દ્વારા કરવામાં આવેલા નિવેદનને  માન્ય રાખ્યું હતું .

ચુકાદામાં જણાવાયું છે કે ભારત તેના લેખિત બંધારણ દ્વારા સંચાલિત છે, જે ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભ્યો વચ્ચે સત્તાના જુદાઈને આધારે ન્યાયતંત્રની સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંત ધરાવે છે.તેમજ ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર સરકારની તરાપ હોવાના કોઈ પુરાવા નથી તેમ જણાવ્યું હતું.

નામદાર કોર્ટએ મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12ને નીરવ મોદી માટે યોગ્ય  ગણાવી છે. એ સાથે જ તેમણે કહ્યું હતું કે તેનું ભારત પ્રત્યર્પણ થશે તોપણ તેને ત્યાં ન્યાય મળશે જ.

પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડથી વધુની લોનની છેતરપિંડીના આરોપી નીરવ મોદી અત્યારે લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે. તેને પ્રત્યર્પણ કરી ભારત લાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટના ચુકાદા બાદ આ અંગે અંતિમ મંજૂરી માટે આ કેસ બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે, જ્યાં આ અંગે અંતિમ મંજૂરી મળી જશે.

ઉલ્લેખનીય છે કે  માર્કંડેય કાત્જુ 2011 ની સાલમાં નિવૃત થયા હતા તથા તેમણે 2016 ની સાલમાં તેમણે ભારત સરકારની હિટલર સાથે સરખામણી કરતું નિવેદન કર્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:17 pm IST)