મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

શેર બજાર કડડભૂસ : સેન્સેક્સમાં 1939 અંકનું જંગી ગાબડું : નિફ્ટી 14530ની નીચે થયો બંધ

વૈશ્વિક બજારોમાં મંદી વચ્ચે અનેક મોટી કંપનીઓના શેરોના ગગડતા સેન્સેક્સ તૂટ્યો

મુંબઈ : વૈશ્વિક બજારોમાં મંદી વચ્ચે અનેક મોટી કંપનીઓના શેરોના કિંમત નીચે આવવાના કારણે શેર બજાર પણ તૂટ્યું છે. આજે સપ્તાહના આખરી દિવસે સેન્સેક્સ 1939 અંક એટલે કે 3.80 અંક તૂટીને 49,099.99ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 568 અંક તૂટીને 14,529.15ના લેવલે બંધ થયો હતો આજે સેન્સેક્સમાં પણ તમામ શેર લાલ નિશાન પર બંધ થયા છે.

  અમેરિકામાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડ વધવાથી વિશ્વભરના માર્કેટમાં હાહાકાર મચ્યો છે. જેની સ્પષ્ટ અસર આજે ભારતીય શેર બજારો પર પણ જોવા મળી છે. શેર બજાર કકડભૂસ થવાની સાથે જ રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ડૂબ્યાં છે

  સેન્સેક્સમાં ONGC અને બજાજ ફિનના શેર સૌથી વધુ 6 ટકા તૂટ્યા હતા. જે બાદ બજાજ ફાઈનાન્સ, HDFC, પાવર ગ્રિડ, કોટક બેંક અને એક્સિસ બેંકમાં 5 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. આ સિવાય નેસ્લે ઈન્ડિયા, મારુતિ સુઝૂકી, HUL, ભારતી એરટેલ અને ICICI બેંક, SBI, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રાના શેરોમાં પણ ઘટાડો રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, શેર બજારમાં વર્ષ 2021નો આ સૌથી મોટો કડાકો છે. છેલ્લે 4 મેના રોજ શેર બજાર આટલું મોટુ તૂટ્યું હતું. ગઈકાલે શેર બજાર વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ 257 અંકની મજબૂતી સાથે 51,039.31ના સ્તર પર બંધ થયો, તો નિફ્ટી 115.35 અંકના વધારા સાથે 15097.35ના સ્તરે બંધ થયો.હતો 

(6:58 pm IST)